‘માત્રી વાવ’ તરીકે ઓળખાતી વાવમાં માત્રી માતાજી અને સૂરાપુરા દાદાનું સ્થાનક
ખાસ-ખબર ન્યૂઝ ધ્રાંગધ્રા
- Advertisement -
ઝાલાવાડની ભૂમિ જે પ્રકારે પવિત્ર માનવામાં આવે છે તે પ્રકારે અહીં કોઈને કોઈ ધાર્મિક સ્થળ સાથે પૌરાણિક કથા પણ જોડાયેલી છે. આ પ્રકારે ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા ગામે પણ આશરે 300 વર્ષ કરતા પણ સમયથી એક વાવ આવેલી છે. સ્થાનિક ગ્રામજનોની માન્યતા અનુસાર આ વાવ જ્યારે જેગડવા ગામના વસવાટ કરતા પણ જૂની છે. તેમજ વાવમાં માત્રી માતાજીનું મંદિર હોવાથી વાવનું નામ “માત્રી વાવ” રાખવામાં આવ્યું છે જ્યારે વાવમાં બે મહિના પાણી યથાવત રહે છે. જોકે આ પૌરાણિક વાવની વર્તમાન સ્થિતિ ખૂબ જ દયનીય હાલતમાં છે. પૌરાણિક “માત્રી વાવ”માં ઝાડી ઝાંખરા ઊગી નીકવાને લીધે બાંધકામ જર્જરિત થઈ ચૂક્યું છે. આગાઉ ગ્રામજનો દ્વારા વાવની લોક ફાળાથી સફાઈ કરવામાં આવી હતી પરંતુ ફરીથી ઝાડી ઝાંખરા ઊગી નીકળવાની સાથે વાવ જર્જરિત થઈ ચૂકી છે જેથી સફાઈ કરવી ખૂબ જ જોખમી માનવામાં આવે છે.
આ અંગે ગ્રામ પંચાયત દ્વારા અગાઉ રાજ્યના પુરાતત્વ વિભાગને લેખિતમાં પૌરાણિક વાવનો કબજો સંભાળવા રજૂઆત કરી હતી પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કે જવાબ મળ્યો નથી ત્યારે ગામના આગેવાન સંજયસિંહ વાઘેલા દ્વારા જણાવ્યું હતું કે જેગડવા ગામ સ્થિત પૌરાણિક “માત્રી વાવ”માં માતાજી અને બ્રમ્હ સમાજના સુરાપુરા દાદાનું સ્થાનક છે જેથી આ જગ્યા પવિત્ર અને ધાર્મિક માનવામાં આવે છે સાથે જ ગ્રામજનોને પણ આ વાવ સાથે ખૂબ જ આસ્થા છે જેથી વાવને પુરાતત્વ વિભાગ પોતાના હસ્તક કરી ફરીથી સમારકામ કરવામાં આવે તો હેરિટેજ માફક વાવ યથાવત રહી જશે અન્યથા આગામી સમયમાં પૌરાણિક ઇતિહાસમાં રહેલી “માત્રી વાવ” માત્ર પુસ્તકોમાં જ રહી જશે. તેવામાં સ્થાનિક ગ્રામજનો દ્વારા પણ પુરાતત્વ વિભાગ પાસે જર્જરિત અને પૌરાણિક “માત્રી વાવ”નું સમારકામ કરવા માંગ કરી છે.



