હોલીકાદહન માટે પરંપરા સામે પડકાર
માગ તો યથાવત છે, પરંતુ પુરવઠો ઓછો હોવાથી બજારમાં અછત જેવી સ્થિતિ સર્જાઈ : માલધારી રણજીત મુંધવા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
હોળીનો પાવન તહેવાર નજીક આવતા ગામડાં અને શહેરોમાં હોલીકાદહનની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. વર્ષો જૂની પરંપરા મુજબ ગાયના છાણથી બનાવાયેલા છાણા વડે હોળી પ્રગટાવવાની પ્રથા આજે પણ અનેક વિસ્તારોમાં યથાવત છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં છાણા થાપતા કારીગરોની સંખ્યા ઘટતા બજારમાં છાણાના ભાવમાં આશરે 30 ટકા જેટલો વધારો નોંધાયો છે. આ વધારા વચ્ચે હવે સવાલ ઉઠી રહ્યો છે કે શું આગામી સમયમાં હોલીકાદહન માટે લાકડાનો ઉપયોગ વધશે? હોલીકાદહન આપણા સાંસ્કૃતિક જીવનનો અગત્યનો ભાગ છે. પરંપરાગત રીતે ગાયના છાણથી બનેલા છાણા પવિત્ર માનવામાં આવે છે અને પર્યાવરણ માટે પણ ઓછા હાનિકારક ગણાય છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ઘરોમાં જ છાણા બનાવી હોળી પ્રગટાવવાની પ્રથા રહી છે. પરંતુ સમય સાથે જીવનશૈલીમાં આવેલા પરિવર્તનના કારણે આ પરંપરા પર અસર પડી રહી છે. ગામડાંમાં પહેલાં મોટા પ્રમાણમાં પશુપાલન થતું, પરંતુ હવે યુવાનો રોજગાર માટે શહેરોમાં સ્થળાંતર કરી રહ્યા છે. પશુપાલન તરફનો ઝોક ઘટતા છાણા બનાવતા પરિવારોની સંખ્યા વર્ષ પ્રતિ વર્ષ ઓછી થઈ રહી છે.
છાણાની અછત વચ્ચે કેટલાક સ્થળોએ હોલીકાદહન માટે લાકડાનો ઉપયોગ વધ્યો
- Advertisement -
માલધારી રણજીત મુંધવા જણાવે છે કે આ વર્ષે છાણાના ભાવમાં અંદાજે 30 ટકા જેટલો વધારો નોંધાયો છે. માગ તો યથાવત છે, પરંતુ પુરવઠો ઓછો હોવાથી બજારમાં અછત જેવી સ્થિતિ સર્જાઈ છે, એમ તેઓ કહે છે. પરિણામે ખરીદદારોને વધેલા ભાવ ચૂકવવા પડી રહ્યા છે. છાણાની અછત વચ્ચે કેટલાક સ્થળોએ હોલીકાદહન માટે લાકડાનો ઉપયોગ વધતો જોવા મળે છે. લાકડું સરળતાથી ઉપલબ્ધ હોવાથી લોકો તેને વિકલ્પ તરીકે અપનાવવા લાગ્યા છે. પરંતુ પર્યાવરણપ્રેમીઓ ચેતવણી આપે છે કે મોટા પ્રમાણમાં લાકડાનો ઉપયોગ થવાથી વૃક્ષોનું કાપવાનું વધે અને કાર્બન ઉત્સર્જન પણ વધી શકે છે, જે પર્યાવરણ માટે ચિંતાજનક છે. પર્યાવરણપ્રેમીઓ અને સામાજિક કાર્યકરો સૂચવે છે કે પરંપરાગત છાણાના ઉપયોગને જાળવવા માટે સ્થાનિક સ્તરે પશુપાલનને પ્રોત્સાહન આપવું જોઈએ. સ્વસહાય જૂથો અને મહિલાઓને છાણા બનાવવાની પ્રવૃત્તિ સાથે જોડવામાં આવે તો રોજગારીના નવા અવસર પણ ઊભા થઈ શકે. કેટલાક વિસ્તારોમાં સામૂહિક અને પ્રતીકાત્મક રીતે નાની હોળી પ્રગટાવવાનો વિચાર પણ આગળ આવી રહ્યો છે, જેથી સામગ્રીનો ઓછો ઉપયોગ થાય અને પર્યાવરણનું સંતુલન જળવાઈ રહે.
શહેરમાં છાણાની અછતથી બજારમાં સ્પર્ધા, બુકિંગનો ટ્રેન્ડ
હોળી નજીક આવતાં જ બજારમાં છાણાની ખરીદી માટે લોકો વહેલી તકે બુકિંગ કરાવી રહ્યા છે. વેપારીઓના જણાવ્યા મુજબ છેલ્લા બે-ત્રણ વર્ષથી છાણાની ઉપલબ્ધતા ઘટતાં ગ્રાહકો પહેલેથી જ જથ્થો સંગ્રહવાની કોશિશ કરે છે. આ વર્ષે ભાવમાં આશરે 30 ટકા વધારા વચ્ચે કેટલાક વિસ્તારોમાં છાણાનો જથ્થો મર્યાદિત પ્રમાણમાં જ ઉપલબ્ધ હોવાનું જોવા મળે છે. સ્થાનિક વેચાણકારો કહે છે કે અગાઉ ગામડાંમાંથી શહેરોમાં મોટા પ્રમાણમાં છાણા સપ્લાય થતો, પરંતુ હવે ગ્રામ્ય સ્તરે ઉત્પાદન ઓછું થતાં શહેરોમાં માંગ પૂરી કરવી મુશ્કેલ બની રહી છે. પરિણામે નાના વેપારીઓને અન્ય તાલુકા કે જિલ્લાઓમાંથી છાણા મંગાવવાનો વારો આવે છે, જેનાથી પરિવહન ખર્ચ પણ વધે છે.



