હોદ્દાની લાલસા અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આવા પાયાવિહોણા કૃત્યો: શહેર પ્રમુખ
ખાસ-ખબર ન્યૂઝn જૂનાગઢ, તા.26
- Advertisement -
જૂનાગઢ ભાજપમાં લાંબા સમયથી ચાલી રહેલો આંતરિક વિખવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપના જ એક મહિલા અગ્રણીના પુત્રએ પક્ષના પૂર્વ અને વર્તમાન પ્રમુખ સામે વ્યાજખોરી અને ભ્રષ્ટાચારના સનસનાટીભર્યા આક્ષેપો કરતા રાજકીય ગરમાવો આવી ગયો છે. આ મામલો હવે પ્રદેશ નેતૃત્વ સુધી પહોંચ્યો છે.
જૂનાગઢ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ આરતીબેન જોષીના પુત્ર તેજસ જોષીએ જાહેરમાં ગંભીર આક્ષેપો કર્યા છે કે, વર્તમાન શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપાલેલીયા મોટાપાયે વ્યાજવટાવનો ધંધો કરે છે અને ગેરકાયદેસર બાંધકામો દ્વારા કરોડોની કમાણી કરે છે. આક્ષેપ મુજબ, નવી ટીમમાં પોતાના મળતિયાઓને ગોઠવી દેવાયા છે જેથી કોઈ વિરોધ ન કરે. પૂર્વ પ્રમુખ પુનિત શર્માએ પણ અનેક ગેરકાયદેસર બિલ્ડિંગો બનાવી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તેજસ જોષીએ આ બાબતે પ્રદેશ પ્રમુખ, ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને રજૂઆત કરી બંને સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપાલેલીયાએ આ તમામ આક્ષેપોને નકારી કાઢતા વળતો પ્રહાર કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, ગિરનાર દરવાજાથી જવાહર રોડ સુધી પૂછશો તો ખબર પડશે કે વ્યાજવટાવનો ધંધો કોણ કરે છે અને કોનો ત્રાસ છે? તેમણે આક્ષેપ કરનાર વ્યક્તિ પર નિશાન સાધતા કહ્યું કે, હોદ્દાની લાલસા અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આવા પાયાવિહોણા કૃત્યો કરવામાં આવી રહ્યા છે. શહેર ભાજપ પ્રમુખે આ સમગ્ર મામલાની ગંભીરતા જોતા પ્રદેશ નેતૃત્વને જાણ કરી છે અને શિસ્તભંગના પગલાં લેવાની માંગ કરી છે. આ આક્ષેપબાજીથી ભાજપની આબરૂને બટ્ટો લાગ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.



