સરકારી યોજનાઓ માટે ‘અછૂત’ આ ખેડૂતોની વેદના કોણ સાંભળશે?
ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વિધાનસભા પ્રશ્ર્ન ઉઠાવી સરકાર પાસે જવાબ માંગ્યો
- Advertisement -
સેટલમેન્ટ ગામનો અભિશાપ: હસ્નાપુરમાં નથી વીજળી કે નથી ટેકાના ભાવ, ખેડૂતો આજે પણ ડીઝલ પંપના ભરોસે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.26
ડિજિટલ ઇન્ડિયા અને વિકસિત ગુજરાતના દાવાઓ વચ્ચે જૂનાગઢ જિલ્લાનું એક ગામ આજે પણ વહીવટી તંત્રની ઉપેક્ષાનો જીવંત પુરાવો બનીને ઊભું છે. વિસાવદર તાલુકાના હસ્નાપુર ગામના 1700 થી વધુ નાગરિકો માટે લોકશાહી અને કલ્યાણકારી યોજનાઓ માત્ર કાગળ પર જ મર્યાદિત છે. આ ગામના ખેડૂતોને નથી મળતી ખેતી માટે વીજળી, નથી મળતા ટેકાના ભાવ કે નથી મળતી પાક નુકસાનીની સહાય.
હસ્નાપુર ગામની સૌથી મોટી સમસ્યા તેની ઓળખ છે. આ ગામ વન વિભાગના ’સેટલમેન્ટ’ હેઠળ આવે છે. સેટલમેન્ટના ગામો એટલે એવા વિસ્તારો કે જે જંગલની હદમાં વસેલા છે અને જેનો વહીવટ મહેસૂલ વિભાગને બદલે વન વિભાગ હસ્તક હોય છે. 1700ની વસ્તી ધરાવતું આ ગામ વર્ષોથી જંગલના કાયદાઓ અને સરકારી ઉદાસીનતા વચ્ચે પિસાતું આવ્યું છે.
અહીંનો તમામ વહીવટ વન વિભાગના ફોરેસ્ટર દ્વારા કરવામાં આવે છે. જમીનના 7/12ના ઉતારા હોય કે જન્મ-મરણના દાખલા, ગામના લોકોએ વહીવટી તંત્રને બદલે વનતંત્રના દ્વાર ખખડાવવા પડે છે. ગુજરાતનો સામાન્ય ખેડૂત જ્યારે મગફળી, સોયાબીન, ચણા કે તુવેર પકવે છે, ત્યારે સરકાર દ્વારા તેની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે જેથી ખેડૂતને આર્થિક નુકસાન ન જાય. પરંતુ હસ્નાપુરના ખેડૂતોની કમનસીબી એ છે કે તેઓ સેટલમેન્ટ ગામના હોવાથી સરકાર તેમની પાસેથી પાક ખરીદતી જ નથી.
અમે પણ આ જ માટીમાં ખેતી કરીએ છીએ, અમે પણ વિઘોટી (ટેક્સ) ભરીએ છીએ, તો પછી અમારી મગફળી કે સોયાબીન સરકાર ટેકાના ભાવે કેમ નથી લેતી? ચેતન પાટડીયા, ગામના સ્થાનિક રહીશે સવાલો કર્યા હતા.
જ્યાં આજે ગુજરાતના ખૂણે-ખૂણે ખેતી માટે દિવસે વીજળી આપવાના દાવા થાય છે, ત્યાં હસ્નાપુરના ખેડૂતો આજે પણ 18મી સદીની જેમ ડીઝલ પંપ આધારિત ખેતી કરવા મજબૂર છે. આ ગામ જંગલને અડીને આવેલું હોવાથી વન વિભાગ અહીં વીજળીના થાંભલા નાખવા દેતું નથી. મોંઘા ભાવનું ડીઝલ બાળીને ખેતી કરવી ખેડૂતોને પરવડતી નથી, છતાં પેટનો ખાડો પૂરવા બીજો કોઈ વિકલ્પ નથી. સ્થાનિક યુવક આદિત્ય પાટડીયા જણાવે છે કે, આધુનિક યુગમાં પણ અમારે અંધકાર અને સુવિધાઓના અભાવ વચ્ચે જીવવું પડે છે.
તાજેતરમાં જ્યારે ગુજરાતમાં માવઠું (કમોસમી વરસાદ) પડ્યો ત્યારે રાજ્ય સરકારે ખેડૂતો માટે કરોડો રૂપિયાનું સહાય પેકેજ જાહેર કર્યું હતું. પરંતુ હસ્નાપુરના ખેડૂતોના નસીબમાં ત્યાં પણ શૂન્ય હતું. સેટલમેન્ટના ખેડૂતોને નિયમોના નામે કોઈ પણ પ્રકારની વળતર સહાય આપવામાં આવતી નથી.
ખેડૂત જયસુખભાઈ પાટડીયાના શબ્દોમાં કહીએ તો આના કરતાં તો અમારો જન્મ જ ન થયો હોત તો સારું હતું. શું અમે પાકિસ્તાનમાં રહીએ છીએ કે અમને આટલો અન્યાય થઈ રહ્યો છે? અમારી ખેતી પર કુદરત રૂઠે તો ચાલે, પણ આ સરકાર કેમ રૂઠી છે?
વર્ષોથી દબાયેલી આ વેદના તાજેતરમાં વિધાનસભાના સત્રમાં ગુંજી છે. ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા દ્વારા હસ્નાપુર અને સેટલમેન્ટના ગામોના ખેડૂતોની વ્યથા ગૃહમાં રજૂ કરવામાં આવી હતી. આ મુદ્દો ઉછળતાની સાથે જ વહીવટી તંત્રમાં દોડધામ મચી છે. ખેડૂતો હવે આશા રાખી રહ્યા છે કે આ વખતે માત્ર ચર્ચાઓ જ નહીં, પરંતુ નક્કર નિરાકરણ આવશે.
હસ્નાપુર ગામની સ્થિતિ એ પ્રશ્ન ઊભો કરે છે કે શું નિયમો માનવીય સંવેદનાઓથી મોટા છે? એક તરફ જંગલ બચાવવાની વાત છે અને બીજી તરફ 1700 માનવીઓનું અસ્તિત્વ. જો આ ખેડૂતો મહેસૂલ ભરે છે અને ભારતની ધરતી પર ખેતી કરે છે, તો તેમને બંધારણીય હકોથી વંચિત રાખવા એ લોકશાહીનું અપમાન છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર સેટલમેન્ટના કાયદાઓમાં સુધારો કરીને હસ્નાપુરને ’આઝાદ’ ભારતનું ભાગ ગણે છે કે કેમ.



