મેળામાં યુવાનને હાર્ટ એટેક આવતા કર્મીએ ખભે ઊંચકી જીવ બચાવ્યો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
- Advertisement -
ભવનાથમાં મહાશિવરાત્રી મેળામાં લાખોની જનમેદની વચ્ચે જૂનાગઢ પોલીસ માત્ર સુરક્ષા જ નહીં, પરંતુ સેવા અને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહી છે. મેળાના વિવિધ પોઈન્ટ્સ પર તૈનાત પોલીસ કર્મીઓએ અનેક મુશ્કેલ પરિસ્થિતિઓમાં શ્રદ્ધાળુઓની વ્હારે આવીને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરી છે. 12 ફેબ્રુઆરીના રોજ સ્મશાન ત્રણ રસ્તા પાસે છ મહિનાની બાળકી બેભાન હાલતમાં જણાતા, ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલ અજીતસિંહ અને વિપુલભાઈએ સમય સૂચકતા વાપરી પોતાની બાઈક પર જ બાળકીને સિવિલ હોસ્પિટલ પહોંચાડી નવજીવન આપ્યું હતું.
પોલીસની આ સેવાકીય પ્રવૃત્તિઓ અહીં જ અટકી નથી. મેળામાં યુવાનને હાર્ટ એટેક બગસરા પોલીસના વતની હેડ કોન્સ. ઉમેદભાઈ મેહતા સમય સુચકતા વાપરી ગીચ ભીડ વચ્ચે યુવાનને ખભે ઊંચકી ઇમરજન્સી સારવાર કેન્દ્રે પોહચાડી સમયસર સારવાર મળતા જીવ બચાવ્યો હતો. જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ પાસેથી ગુમ થયેલા 80 વર્ષીય વૃદ્ધ બચુભાઈ ટાંકને પીએસઆઈ આઈ.એ. ભટ્ટી અને તેમની ટીમે ગણતરીના કલાકોમાં શોધી કાઢી તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. આવી જ રીતે રૂપાયતન અને મજેવડી દરવાજા વિસ્તારમાં ખોવાયેલા બાળકો અને કિંમતી દસ્તાવેજો ભરેલા પાકીટ પણ તેના મૂળ માલિકોને પરત કરી પોલીસે પોતાની પ્રામાણિકતાનો પરિચય આપ્યો છે. અંબાજી મંદિર પાસે સીડી પરથી પડી ગયેલા યાત્રિકને લોહીલુહાણ હાલતમાં પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ ખસેડાયા હતા. મેળાના ગીચ ટ્રાફિક વચ્ચે પણ પોલીસ અને જીઆરડી જવાનોએ ખડેપગે રહીને સેવા આપી છે. રાવટી નંબર 12 પાસે એક શ્રદ્ધાળુને અચાનક ચક્કર આવતા પોલીસે તાત્કાલિક છાયડામાં બેસાડી પાણી આપી એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી હતી. વધુમાં, ટ્રાફિકમાં બેભાન થયેલા એક વૃદ્ધને જીઆરડી સ્ટાફ અને 108ની ટીમે સમયસર સારવાર આપી સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા. ગરમીમાં શ્રદ્ધાળુઓને રાહત આપવા જૂનાગઢ પોલીસ દ્વારા નિ:શુલ્ક લીંબુ શરબતનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓની સુરક્ષાની સાથે સાથે તેમની આરોગ્યલક્ષી સુવિધાઓ માટે તત્પર જૂનાગઢ પોલીસની આ કામગીરીને ભાવિકો અને સ્થાનીય લોકો દ્વારા સો-સો સલામ સાથે બિરદાવાઇ રહી છે.



