વિકાસલક્ષી અને જનહિતકારી બજેટ દ્વારા રાજકોટની સુખાકારીમાં થશે વધારો; પિંક બસ, એનિમલ હોસ્ટેલ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામોને ધારાસભ્યએ બિરદાવ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2026-27 માટે રજૂ કરવામાં આવેલા રૂ. 3604.90 કરોડના વાર્ષિક અંદાજપત્રને ધારાસભ્ય ઉદય કાનગડ, શહેર ભાજપ મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા અને અન્ય અગ્રણીઓએ હૃદયપૂર્વક આવકારી અભિનંદન પાઠવ્યા છે. આ બજેટને ’વિકસિત ભારત 2047’ ના વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સંવેદનશીલ શાસનશૈલીને અનુરૂપ ગણાવી, રાજકોટના સર્વાંગી વિકાસ માટેનું સશક્ત માધ્યમ ગણાવ્યું છે.
બજેટમાં મહિલા સશક્તિકરણ માટે શહેરના ત્રણેય ઝોનમાં ખાસ ’પિંક બસ’ સેવા શરૂ કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે, જે મહિલાઓને સુરક્ષિત અને સુવિધાજનક મુસાફરી પૂરી પાડશે. પર્યાવરણ સંરક્ષણની સાથે વડીલો પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે સિનિયર સિટીઝનના નામે વૃક્ષારોપણ કરવાની નવીન જોગવાઈ કરવામાં આવી છે. મધ્યમ વર્ગ અને નાના વેપારીઓને મોટી રાહત આપતા, લાંબા સમયથી બાકી રહેલા મિલકત અને પાણી વેરા માટે ખાસ માફી યોજના પણ જાહેર કરવામાં આવી છે. રાજકોટના ગૌરવ સમાન રેસકોર્સ વિસ્તારને વધુ આધુનિક અને આકર્ષક બનાવવા માટે બ્યુટીફિકેશન અને નવીનીકરણની કામગીરી હાથ ધરાશે.
વિધાનસભા-68 એટલે કે રાજકોટ પૂર્વ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે બજેટમાં માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે. જેમાં વોર્ડ-4 માં બેડી ચોકડી અને મોરબી રોડ પર બ્રીજ બનાવવા માટે રૂ. 100 લાખ, ખોડલધામ પાસે બ્રીજની કામગીરી માટે રૂ. 100 લાખ અને કુવાડવા રોડથી જૂના મોરબી રોડ વચ્ચે છઈઈ વોલ માટે રૂ. 350 લાખની જોગવાઈ કરાઈ છે. ખાસ કરીને સોખડા વિસ્તારમાં રૂ. 22 કરોડના ખર્ચે 20 હજાર ચોરસ મીટરમાં અદ્યતન ’એનીમલ હોસ્ટેલ’ બનાવવાનો મહત્વનો પ્રોજેક્ટ મંજૂર થયો છે. આ ઉપરાંત ગ્રીનલેન્ડ ચોકડી ખાતે અદ્યતન પ્રવેશદ્વાર માટે રૂ. 150 લાખ અને અમુલ સર્કલથી ચંપકભાઈ વોરા બ્રીજ સુધીના રોડ માટે રૂ. 400 લાખ ફાળવવામાં આવ્યા છે.
ઈસ્ટ ઝોનના તમામ વોર્ડમાં પાણી પુરવઠો નિયમિત જળવાય તે માટે રૂ. 100 લાખના ખર્ચે આધુનિક ’સ્કાડા’ સિસ્ટમ બેસાડવામાં આવશે. શિક્ષણ અને રમતગમતને પ્રોત્સાહન આપવા માટે વોર્ડ-4 માં અદ્યતન સ્પોર્ટ્સ સંકુલ અને મોહનભાઈ સરવૈયા હોલના રિનોવેશન માટે રૂ. 50 લાખની જોગવાઈ કરાઈ છે. આ બજેટમાં પેડક રોડને ’ગૌરવ પથ’ તરીકે વિકસાવવાની સાથે કનકનગરમાં નવી શાક માર્કેટ અને અનેક સોસાયટીઓમાં પેવિંગ બ્લોક તથા સીસી રોડના કામોને મંજૂરી આપી રાજકોટના વિકાસને નવી ગતિ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.



