વર્લ્ડ કપ 2026ની તેની બીજી ગ્રુપ મેચમાં ભારતીય ટીમએ તોફાની બેટિંગ કરીને ઈતિહાસ રચી દીધો છે. નામિબિયા સામે રમાયેલી આ મેચમાં નામિબિયાએ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. સંજુ સેમસનની પહેલી વિકેટ વહેલી પડી ગઈ હતી, પરંતુ ત્યારબાદ ઈશાન કિશને નામિબિયાના બોલરોની લાઇન-લેન્થ બગાડી નાખી હતી. ભારતીય ટીમે માત્ર 6 ઓવરમાં 86 રન ફટકારી દીધા હતા. જે ભારતીય ટીમનો T20માં સૌથી મોટો પાવરપ્લે સ્કોર બન્યો છે.
વર્લ્ડ કપ ઇતિહાસનો સૌથી ઝડપી સદીનો રેકોર્ડ
- Advertisement -
ભારતીય ટીમે પાવરપ્લે બાદ આગલી જ ઓવરમાં 100 રનનો આંકડો પાર કરી લીધો હતો. ભારતે માત્ર 6.5 ઓવરમાં 100 રન પુરા કર્યા હતા. આ સાથે જ ભારતીય ટીમએ T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી ઝડપી ટીમ સદીનો નવો કીર્તિમાન સ્થાપ્યો છે. અગાઉ આ રેકોર્ડ નેધરલેન્ડના નામે હતો. જેણે 2014માં આયર્લેન્ડ સામે 7 ઓવરમાં 100 રન બનાવ્યા હતા. પરંતુ ભારતીય ટીમએ નામિબિયા સામે માત્ર 41 બોલમાં જ સદી ફટકારી રેકોર્ડ બનાવ્યો હતો.
સ્કોરબોર્ડ પર રનનો પહાડ
પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 209 રનનો વિશાળ સ્કોર ખડો કરી દીધો હતો. ભારતીય ટીમ તરફથી ઈશાન કિશને માત્ર 24 બોલમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 61 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ ઉપરાંત હાર્દિક પંડ્યાએ પણ શાનદાર રમત બતાવતા અડધી સદી ફટકારી હતી.
- Advertisement -
બોલરોનો દબદબો અને 93 રનથી ભવ્ય જીત
210 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી નામિબિયાની ટીમ 18.2 ઓવરમાં માત્ર 116 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે ભારતે 93 રનથી મોટી જીત પ્રાપ્ત કરી હતી. T20 વર્લ્ડ કપમાં રનની દ્રષ્ટિએ ભારતની આ સૌથી મોટી જીત છે.
ખેલાડીઓનું પ્રદર્શન
વરુણ ચક્રવર્તી: 2 ઓવરમાં 7 રન આપીને 3 વિકેટ ઝડપી.
હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલ: 2-2 વિકેટ ઝડપી.
બુમરાહ, અર્શદીપ અને શિવમ દુબે: 1-1 વિકેટ ઝડપી.




