કરપડાએ મૌન તોડ્યું: ‘આપ’માં આંતરિક ષડયંત્ર
ચાર મહિનાના જેલવાસમાં ‘આપ’ના એક પણ વકીલે મુલાકાત ન લીધી કે કાનૂની મદદ ન કરી
- Advertisement -
કેજરીવાલ સુધી સત્ય ન પહોંચવાનો દાવો કરતા ગુજરાત ‘આપ’માં રાજકીય ભૂકંપ
ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો તરફથી સંપર્ક કરવામાં આવ્યો છે, પરંતુ હાલ તેઓ ખેડૂતોના હિતને પ્રાધાન્ય આપી રહ્યા છે
જેલમાં ખેડૂતોની વેદના જોઈ ત્યારે જ નક્કી કરી લીધું હતું કે હવે ‘આપ’ સાથે રહેવું નથી: કરપડા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ખેડૂત નેતા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ અનેક આરોપ લગાવ્યા છે. જેમાં તેમણે ’આપ’ ના નેતા ગોપાલ ઇટાલિયા અને અન્ય નેતાઓ પર ગંભીર આરોપો લગાવીને રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે જ્યારે તેઓ ખેડૂતોની લડાઈ લડતા જેલમાં ગયા, ત્યારે પાર્ટીએ તેમની પીઠમાં છરો ભોંક્યો છે. ચાર મહિનાના જેલવાસ દરમિયાન આમ આદમી પાર્ટીના એક પણ વકીલે મુલાકાત લીધી નહોતી કે કોઈ કાનૂની મદદ કરી નહોતી. ત્યારે ‘મેં જેલમાં ખેડૂતોની વેદના જોઈ ત્યારે જ નક્કી કરી લીધું હતું કે હવે ‘આપ’ સાથે રહેવું નથી. પાર્ટીના નેતાઓના કારણે જ ખેડૂતોને વધુ સમય જેલમાં રહેવું પડ્યું છે.’
ગોપાલ ઇટાલિયાનું નામ લીધા વગર કરપડાએ ગંભીર આક્ષેપ કર્યો કે પાર્ટીના એક-બે નેતાઓએ તેમને ફસાવવાનો પ્રયાસ કર્યો છે. તેમજ તેમની પાસે અગાઉથી એક વીડિયો તૈયાર કરાવવામાં આવ્યો હતો, જેનો પાછળથી પાર્ટીએ દુરુપયોગ કર્યો છે. મારા રાજીનામા બાદ પાર્ટીના નેતાઓ એવું જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે કે જૂના કેસોના ડરથી તેમણે રાજીનામું આપ્યું છે, જે વાત તદ્દન પાયાવિહોણી છે. ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે રાત-દિવસ મહેનત કરી હતી. તેમણે ચૈતર વસાવા, હેમંત ખવા અને ઇસુદાન ગઢવી જેવા નેતાઓને પણ મદદ કરી હોવાનો દાવો કર્યો હતો. તેમણે ચીમકી આપતા કહ્યું, ‘હું હજુ પણ ઘણું છુપાવી રહ્યો છું, જ્યાં સુધી હું ચૂપ છું ત્યાં સુધી તમે (આપના નેતાઓ) સલામત છો.’
ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠિયા આ બંને નેતાઓ એક ષડયંત્રના ભાગરૂપે કામ કરી રહ્યા છે અને તેઓ ક્યારેય ’આપ’ ને ગુજરાતમાં મજબૂત થવા દેશે નહીં. તેમજ ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠિયા કેજરીવાલ સુધી સાચી વાસ્તવિકતા પહોંચવા દેતા નથી અને જે નેતા કેજરીવાલની નજીક આવે કે તરત જ તેમની વિરુદ્ધ ષડયંત્રો શરૂ થઈ ગયા હતા. તેમને મૌન રહેવા માટે ફોન આવતા હોવાનો પણ તેમણે ખુલાસો કર્યો છે. આ સાથે જ તેમણે ઈસુદાન ગઢવીને અપીલ કરી છે કે પાર્ટીમાં રહીને જ પાર્ટીને તોડનારા તત્વોને તેઓ ઓળખી લે. રાજુ કરપડાએ અંતમાં સંકેત આપ્યા કે તેઓ હાલ પૂરતા કોઈ રાજકીય પક્ષમાં જોડાવા માંગતા નથી અને બિન-રાજકીય રહીને ખેડૂતો માટે કામ કરશે. તેમણે ઉમેર્યું કે જો તેઓ પાર્ટીમાં ન હોત અને બિન-રાજકીય લડત લડ્યા હોત તો કદાચ તેમની પર ગુના પણ દાખલ ન થયા હોત. ત્યારે હવે રાજુ કરપડાના આ આક્ષેપો બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ શું પ્રતિક્રિયા આપે છે તેના પર સૌની નજર છે.



