કામગીરી કોઇ પણ હોય, શિક્ષકો જાણે વાંદરીપાનું બની ગયા છે, અજબ દેશ કી ગજબ કહાની
ગાંધીનગરના નાયબ શિક્ષણ નિયામકનો તમામ જિલ્લાના શિક્ષણાધિકારીને પરિપત્ર
- Advertisement -
શૈક્ષણિક સંકુલોમાં, આસપાસ ભટકતા, રખડતાં શ્ર્વાનની ગણતરીની જવાબદારી સુપ્રિમ કોર્ટના નિર્દેશાનુસાર શાળાને સોંપાઇ
જિલ્લા શિક્ષણાધિકારીઓને ત્રણ દિવસમાં અહેવાલ મોકલવા સૂચના
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાતભરમાં શાળાના શિક્ષકો હવે વિદ્યાર્થીઓનું ભણતર સાથે શ્ર્વાનનું ગણતર કરતા નજરે પડે તો નવાઈ નહીં. અત્યાર સુધી શિક્ષકો વિદ્યાર્થીઓની હાજરી પૂરતા હતા, હવે કદાચ તેઓ શ્ર્વાનની હાજરી નોંધશે એવું કહી શકાય. કારણ કે, નામદાર સુપ્રીમ કોર્ટના આદેશનો હવાલો આપીને શિક્ષણ નિયામક દ્વારા જીલ્લા શિક્ષણાધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે કે, શૈક્ષણિક સંસ્થાઓમાં કેટલા ‘શ્ર્વાન’ છે તેનો તાત્કાલિક સર્વે કરો.
રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓને શ્ર્વાનોની સંખ્યા અંગે તાત્કાલિક સર્વે હાથ ધરવા શિક્ષણ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે. ગાંધીનગરના નાયબ શિક્ષણ નિયામક દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીઓને પરિપત્ર મોકલી આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. પરિપત્ર અનુસાર, જિલ્લા શિક્ષણાધિકારીઓએ તેમના અધિકારક્ષેત્ર હેઠળ આવતી તમામ શાળાઓ, કચેરીઓ અને કેમ્પસ વિસ્તારોમાં સર્વે હાથ ધરવાનો રહેશે. સંસ્થાઓમાં રહેલા શ્ર્વાનોની સંખ્યા, તેમની સ્થિતિ અને સ્થળ મુજબની વિગતો એકત્રિત કરવાની રહેશે. સર્વે પૂર્ણ થયા બાદ જિલ્લાવાર સંક્ષિપ્ત અહેવાલ તૈયાર કરી જિલ્લા શિક્ષણાધિકારીની સહી અને સિક્કા સાથે ત્રણ દિવસની અંદર કચેરીએ મોકલવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા આ માહિતી માંગવામાં આવી હોવાનું પણ જણાવાયું છે.શિક્ષણ વિભાગે આ કામગીરીમાં કોઈ વિલંબ ન થાય તે માટે તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું છે. રાજ્યભરમાં આવનારા દિવસોમાં શૈક્ષણિક સંસ્થાઓમાં સર્વેની કામગીરી શરૂ થવાની શક્યતા છે.
શિક્ષણ વિભાગના તા. 06/02/2026ના પત્રના સંદર્ભમાં જણાવાયું છે કે સુપ્રીમ કોર્ટના સુઓમોટો પિટીશન (5/2025) અને સંબંધિત આદેશો મુજબ જાહેર સુરક્ષા અંગે આપવામાં આવેલા દિશા-નિર્દેશોનું કડક પાલન કરવું જરૂરી છે. જાહેર સ્થળો અને સંસ્થાઓમાં રહેલા શ્ર્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી ઉપલબ્ધ રહે તે ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આમાં માત્ર શાળાઓ જ નહીં પરંતુ હોસ્પિટલો, દવાખાનાં, કોલેજો, બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશન જેવા સ્થળોનો પણ સમાવેશ થાય છે. શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફની સુરક્ષા મહત્વપૂર્ણ હોવાથી કેમ્પસમાં રહેલા શ્ર્વાનો અંગે ચોક્કસ માહિતી હોવી જરૂરી ગણાવવામાં આવી છે.



