ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિએશન દ્વારા કડક માંગ, આંદોલનની ચીમકી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.11
- Advertisement -
મોરબી શહેરમાં ટ્રાફિકની ગંભીર સમસ્યાના ઉકેલ માટે ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ સુધીના કેનાલ પાસેના રોડને સિમેન્ટ કોંક્રીટ (ઈ.ઈ. છજ્ઞફમ) બનાવવાની માંગ ઉઠી છે. ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિએશન ગુજરાત પ્રદેશના જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ આ અંગે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ, હાલમાં કલેક્ટર દ્વારા ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ સુધીના માર્ગને વન-વે જાહેર કરવામાં આવ્યો છે. આ જાહેરનામા મુજબ, હવે જે મુસાફરોને બાયપાસ જવું હોય તેમણે ફરજિયાત ભક્તિનગર સર્કલ થઈને જવું પડશે. દલવાડી સર્કલથી ફક્ત શનાળા રોડ પર આવી શકાશે, પરંતુ ત્યાંથી જઈ શકાશે નહીં. આ ફેરફારને કારણે ઉમિયા સર્કલ પાસે વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. કાંતિલાલ બાવરવાએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે મોરબીમાં લીલાપરથી ઉમિયા સર્કલ સુધીનો કેનાલની બીજી બાજુનો રોડ સી.સી. બનાવવામાં આવ્યો છે, તો ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ સુધીનો રોડ શા માટે બાકી રાખવામાં આવ્યો? વર્ષો પહેલા પણ આ રોડને વન-વે જાહેર કરાયો હતો, છતાં આજ સુધી તેનું પાકું કામ કેમ થયું નથી તે તપાસનો વિષય છે.
એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી છે કે આ રોડનું સી.સી. કામ તાત્કાલિક મંજૂર કરવામાં આવે જેથી લોકોની સુવિધામાં વધારો થાય અને ટ્રાફિકની સમસ્યા હળવી બને. જો આ કામગીરી વહેલી તકે શરૂ કરવામાં નહીં આવે તો મોરબીના નાગરિકોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ રજૂઆતના અંતે ઉચ્ચારવામાં આવી છે.



