જૂના યુનિટોની લે-વેચમાં જંત્રીના અવરોધ દૂર કરવા ખાતરી: બાકી રહેતા 153 સીસી રોડને તાત્કાલિક મળશે મંજૂરી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.5
- Advertisement -
ઉદ્યોગના પડતર પ્રશ્નોની રૂબરૂ રજૂઆત અને જંત્રીનો મુદ્દો મોરબી સિરામિક એસોસિએશનના હોદ્દેદારોએ ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયાની આગેવાનીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ગાંધીનગર ખાતે મુલાકાત કરી હતી. આ બેઠકમાં એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયા, હરેશભાઈ બોપલિયા અને પૂર્વ પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાએ સિરામિક ઉદ્યોગને નડતી વિવિધ મુશ્કેલીઓની વિગતવાર રજૂઆત કરી હતી. ખાસ કરીને બાંધકામ ક્ષેત્રે ઊંચા જંત્રી દરોને કારણે જૂના સિરામિક યુનિટોની લે-વેચમાં પડી રહેલી વહીવટી તકલીફો અંગે મુખ્યમંત્રીનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ આ બાબતે અત્યંત હકારાત્મક અભિગમ દાખવીને ઉદ્યોગકારોને આશ્વાસન આપ્યું હતું કે આ પ્રશ્નનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે સરકાર યોગ્ય પગલાં ભરશે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને નવા સીસી રોડ રસ્તાની માંગ બેઠક દરમિયાન સિરામિક ક્લસ્ટરમાં થયેલી રોડ રસ્તાની કામગીરીની પ્રગતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીને માહિતગાર કરવામાં આવ્યા હતા કે હાલમાં અંદાજે 400 કરોડના ખર્ચે 90 કિલોમીટર લાંબા 55 ઇન્ટરનલ સીસી રોડનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. આ રોડની સારી ગુણવત્તા અને ટકાઉપણું બદલ એસોસિએશને સંબંધિત અધિકારીઓની કામગીરીને બિરદાવી હતી. સાથોસાથ, ક્લસ્ટરમાં બાકી રહેતા અન્ય 153 સીસી રોડ રસ્તાઓને પણ વહેલી તકે વહીવટી મંજૂરી આપવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી. મુખ્યમંત્રીએ આ મામલે ત્વરિત નિર્ણય લેતા જણાવ્યું હતું કે આ ફાઈલ પર તાત્કાલિક વર્ક ઓર્ડર આપી દેવામાં આવશે.
મોરબી સિરામિક ક્લસ્ટર રોડ પ્રોજેક્ટની સ્થિતિ
મોરબીમાં સિરામિક ઉદ્યોગના સરળ પરિવહન માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 400 કરોડના ખર્ચે અંદાજે 90 કિલોમીટરના નેટવર્કમાં 55 ટકાઉ સીસી રોડ તૈયાર કરી દેવામાં આવ્યા છે. મુખ્યમંત્રીની ખાતરી બાદ આગામી તબક્કામાં બાકી રહેલા 153 રોડ રસ્તાઓ માટે સરકાર દ્વારા તાત્કાલિક વર્ક ઓર્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જે સમગ્ર ઉદ્યોગ જગત માટે રાહતના સમાચાર છે.



