બે સોસાયટીના રોડ બંધ કરી દબાણ કર્યાનો જાગૃત નાગરિકનો દાવો: 10 દિવસમાં કાર્યવાહી ન થાય તો આંદોલનની ચીમકી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.9
- Advertisement -
ગેરકાયદે બાંધકામ અને લે-આઉટનો વિવાદ મોરબીના શનાળા રોડ પર આવેલ જાણીતા ’સ્કાય મોલ’ના બાંધકામને લઈને ગંભીર સવાલો ઉઠ્યા છે. જાગૃત નાગરિક હરેન્દ્રસિંહ વિજયસિંહ ઝાલાએ મહાનગરપાલિકા કમિશનરને રજૂઆત કરતા જણાવ્યું છે કે, મોલના નિર્માણમાં બે અલગ-અલગ સોસાયટીના લે-આઉટ પ્લાન ભેગા કરીને જાહેર રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. આક્ષેપ છે કે અગાઉના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવા છતાં રાજકીય વગ કે અન્ય કારણોસર ફાઈલ દબાવી દેવામાં આવી હતી. જો ઓરિજિનલ ફાઈલની તપાસ થાય તો મોલનું અંડરગ્રાઉન્ડ પાર્કિંગ અને રોડ તરફનું અંદાજે 20 ફૂટનું બાંધકામ કાયદા વિરુદ્ધ હોવાનું સામે આવી શકે છે.
માર્જિનના નિયમોનું ઉલ્લંઘન રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે, શનાળા રોડની મધ્ય રેખાથી નિયત અંતર જાળવવાના નિયમનું અહીં સરેઆમ ઉલ્લંઘન થયું છે. આસપાસના અન્ય બિલ્ડીંગો રોડથી સુરક્ષિત અંતરે હોવા છતાં સ્કાય મોલનું બાંધકામ રોડની એકદમ નજીક કેમ છે, તે તપાસનો વિષય છે. શહેરમાં અન્ય દબાણો દૂર કરતું તંત્ર આ મામલે કેમ મૌન છે તેવો પ્રશ્ન પણ ઉઠાવાયો છે.
આંદોલન અને હાઈકોર્ટની ચીમકી હરેન્દ્રસિંહ ઝાલાએ તંત્રને 10 દિવસનું અલ્ટીમેટમ આપતા જણાવ્યું છે કે, જો નિષ્પક્ષ તપાસ કરી ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં નહીં આવે તો યુવા ગ્રુપ દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવામાં આવશે. આ ઉપરાંત, જરૂર પડ્યે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીને ન્યાય માંગવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે. આ રજૂઆતને પગલે મોરબીના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ખળભળાટ મચ્યો છે.



