વિદેશ ભાગી જવાની અફવાઓનું ખંડન: 70% દેવું પ્રોપર્ટી આપીને ચૂકવ્યું હોવાનો દાવો
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.7
- Advertisement -
મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયાના દેવા અંગે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી ચર્ચાઓનો અંત આવ્યો છે. ખુદ જયંતીભાઈએ મીડિયા સમક્ષ સ્વીકાર્યું છે કે તેઓ ધંધાકીય કારણોસર મોટા દેવામાં સપડાયા છે, પરંતુ તેઓ ક્યાંય ભાગી જવાના નથી.
દેવું ચૂકવવાની ખાતરી: જયંતી રાજકોટીયાએ જણાવ્યું હતું કે, તેમણે અત્યાર સુધીમાં 70% લેણદારોને પૈસાના બદલે પોતાની પ્રોપર્ટી આપીને દેવું ચૂકતે કર્યું છે. હજુ પણ અંદાજે ₹125 કરોડ ચૂકવવાના બાકી છે, જે આગામી બે વર્ષમાં પૂર્ણ કરી દેવાની તેમણે ખાતરી આપી છે. વિદેશ ભાગી જવાના હોવાની વાતોને તેમણે અફવા ગણાવી હતી અને કહ્યું હતું કે તેઓ મોરબીમાં જ છે અને પક્ષનું કામ ચાલુ રાખશે.
રાજકીય ગરમાવો: ભાજપના જિલ્લા પ્રમુખ જેવા મોટા ગજાના નેતા દેવામાં હોવાની કબૂલાતથી રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. ચર્ચા છે કે કેટલાક લોકો તેમને પદ પરથી હટાવવા માટે બદનામ કરી રહ્યા છે. બીજી તરફ, લેણદારોના ઓફિસે ધક્કા વધતા આ મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.



