નવલગઢ ગામ બાદ હવે દુદાપર ગામની સંસ્થાના સભ્યો દ્વારા ગંભીર આક્ષેપ
સભ્યોના દસ્તાવેજોનો દુરુપયોગ કરી સરકારી સહાય અને લાખોની લેવડદેવડનો આરોપ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.30
ધ્રાંગધ્રા તાલુકામાં વધુ એક ખાદી સંસ્થા દ્વારા સભ્યો સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. અગાઉ ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામે આવેલી ખાદી સંસ્થાના સંચાલક દ્વારા અલગ-અલગ સભ્યોના ઓળખ પુરાવા મેળવી, સભ્યોની જાણ બહાર બેંક ખાતાઓ ખોલાવી સરકારી સહાય મેળવવામાં આવી હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ મામલે આશરે 180 જેટલા સભ્યોને જાણ થતાં સંસ્થાની છેતરપિંડી સામે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ ઘટનાના અખબારી અહેવાલો પ્રકાશિત થયા બાદ ધ્રાંગધ્રા શહેરના જુની ખરાવાડ વિસ્તારમાં રહેતા બળવંતભાઈ નાગરભાઈ મકવાણાએ પોતાની બેંક ખાતાની તપાસ કરતા પોતાની જાણ બહાર બેંક ખાતું ખોલાયેલું હોવાનું સામે આવ્યું હતું. વધુ તપાસમાં જાણવા મળ્યું કે આ ખાતામાં અત્યારસુધી પાંચ લાખ રૂપિયાથી વધુની લેવડદેવડ થઈ ચૂકી છે. બળવંતભાઈ મકવાણાએ વધુમાં આક્ષેપ કર્યો છે કે અગાઉ દુદાપર ગામની શ્રી ધ્રાંગધ્રા તાલુકા અંબિકા વણકર સેવા સમિતિના સંચાલક દ્વારા વણાટનું કામ આપવાનું કહી તેમનું આધારકાર્ડ સહિતના દસ્તાવેજો લેવામાં આવ્યા હતા અને કામના રૂપિયા બેંક ખાતામાં જમા થશે તેમ કહી ખાતું ખોલાવવામાં આવ્યું હતું. જોકે આજદિન સુધી કોઈ કામ આપવામાં આવ્યું નથી, છતાં તેમના નામે ખોલાયેલા બેંક ખાતામાં એટીએમ કાર્ડ અને ચેકબુક મારફતે અંદાજે પાંચ લાખ રૂપિયાની લેવડદેવડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સભ્યના જણાવ્યા અનુસાર સંસ્થાના સંચાલક દ્વારા તેમના બેંક ખાતાનો દુરુપયોગ કરી છેતરપિંડી આચરવામાં આવી છે. આ સમગ્ર મામલે બળવંતભાઈ નાગરભાઈ મકવાણાએ દુદાપર ગામની શ્રી ધ્રાંગધ્રા તાલુકા અંબિકા વણકર સેવા સમિતિ તથા તેના સંચાલક સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે પ્રાંત અધિકારીને લેખિત આવેદનપત્ર પાઠવ્યું છે. આ ઘટનાથી ધ્રાંગધ્રા તાલુકાની ખાદી સંસ્થાઓની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે અને અન્ય સભ્યો પણ તપાસ કરવાની માંગ ઉઠાવી રહ્યા છે.
“શ્રી ધ્રાંગધ્રા તાલુકા અંબિકા વણકર સેવા સમિતિના સંચાલક વિપુલભાઈ વોરા સાથે વાતચીત દરમિયાન તેઓ દ્વારા સભ્યના બેંક ખાતાનો ઉપયોગ કરતા હોવાનું કબૂલ્યું હતું અને જણાવ્યું હતું કે ખાતામાં થયેલ લેવડ દેવડ પોતે જ કરી છે” જેથી આ પ્રકારે ખાદી સંસ્થાના નામે એક માસ મોટું કૌભાંડ હોવાની પણ આશંકા વ્યક્ત કરાઈ છે.



