મેંદરડામાં ગૌવંશ સાથે શર્મસાર કૃત્ય કરનાર સગીર શખ્સ સામે ભારે રોષ
ગૌપ્રેમીઓએ આવેદનપત્ર આપી આરોપીને કડક સજા કરવાની ઉગ્ર માંગ
- Advertisement -
ગૌવંશ સાથે સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર મુસ્લિમ સગીર સામે ગુનો દાખલ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.26
જૂનાગઢ જિલ્લાના મેંદરડા પંથકમાં ગૌવંશ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવાની હીન ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. એક મુસ્લિમ સગીર શખ્સ દ્વારા ગાય માતા સાથે આચરવામાં આવેલા આ દુષ્કર્મની ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે. જેના વિરોધમાં આજે મેંદરડા શહેર સજ્જડ બંધ રહ્યું હતું અને સમસ્ત હિન્દુ સમાજે રેલી યોજી કડક કાર્યવાહીની માંગ કરી છે. મળતી માહિતી મુજબ, મેંદરડાના એક ચોક્કસ વિસ્તારમાં વિકૃત માનસ ધરાવતો એક મુસ્લિમ સગીર શખ્સ છેલ્લા 5 દિવસથી ગૌવંશ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું હીન કૃત્ય આચરી રહ્યો હતો. આ બાબતની જાણ જ્યારે સ્થાનિક લોકો અને ગૌપ્રેમીઓને થઈ, ત્યારે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ગૌપ્રેમી વિજયભાઇ ઉર્ફે મિલનભાઇ મગનભાઇ ડાભીએ આ મામલે જાગૃતિ દાખવી તાત્કાલિક મેંદરડા પોલીસનો સંપર્ક કર્યો હતો. ગૌપ્રેમી મિલનભાઈ ડાભીની ફરિયાદના આધારે મેંદરડા પી.આઈ. પી.સી. સરવૈયાએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પ્રાથમિક પુરાવા મળતા પોલીસે ગૌવંશ પર અત્યાચાર કરનાર સગીર શખ્સની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા આ સગીર સામે ’પ્રાણી પ્રત્યે ક્રૂરતા નિવારણ અધિનિયમ’ અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગાય માતા પ્રત્યે આચરવામાં આવેલા આ અત્યાચારને લઈને હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે. જેના વિરોધમાં આજે મેંદરડાના તમામ વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર સ્વયંભૂ બંધ રાખ્યા હતા. સવારથી જ શહેરના પાદર ચોક ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. આ બંધને વેપારી મહામંડળ અને તમામ નાના-મોટા સંગઠનોએ અભૂતપૂર્વ ટેકો જાહેર કર્યો હતો. પાદર ચોક ખાતે એકત્રિત થયેલા જનમેદનીએ ગૌમાતાના જયઘોષ સાથે મામલતદાર કચેરી સુધી વિશાળ રેલી યોજી હતી. આ રેલીમાં હજારો ગૌપ્રેમીઓ જોડાયા હતા અને આરોપીને દાખલારૂપ કડક સજા થાય તેવી માંગણી કરી હતી. મામલતદારને સુપરત કરવામાં આવેલા આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, આવા વિકૃત માનસ ધરાવતા તત્વોને કારણે સમાજની શાંતિ જોખમાય છે અને ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચે છે, તેથી કાયદાના કડક હાથોથી ન્યાય થવો જોઈએ. આ વિરોધ પ્રદર્શનમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ ધાર્મિક ઉત્સવ સમિતિ, મન મંદિર ગ્રુપ, શ્રી કૃષ્ણ યુવક મંડળ, જીવ આશ્ચર્યધામ, શ્રીનાથજી ગૌશાળા માનપુર, અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા. વિશેષ રૂપે માળીયાહાટીનાના આબલગઢથી પણ મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ મેંદરડા દોડી આવ્યા હતા અને સમસ્ત હિન્દુ સમાજના સૂર સાથે સૂર મિલાવ્યો હતો. સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું કે, ગાય એ કરોડો હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર છે. જ્યારે આવી શરમજનક ઘટના બને ત્યારે સમાજ તેને કદાપિ સહન કરી શકે નહીં. જો આગામી દિવસોમાં આરોપી સામે દાખલારૂપ પગલાં ભરવામાં નહીં આવે, તો આંદોલનને વધુ તેજ બનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. હાલમાં મેંદરડા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.



