સંયમ, સાધના અને શ્રદ્ધા સાથે તપ, ત્યાગ અને તીર્થભાવે અતિ દુર્લભ સિદ્ધિ હાંસલ કરી
પરિવારની સહયાત્રા અને આધ્યાત્મિક આધાર વિના આ મહાન સાધના શક્ય નથી : જૈનીલભાઈ દોશી
- Advertisement -
45 દિવસની કઠોર તપસ્યા અને 45 દિવસના એકાસણા સાથે આરાધનાનું પાલન યાત્રા માટે આવશ્યક
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શેત્રુંજય પાલીતાણાની 99 યાત્રા જૈન ધર્મમાં એક અનન્ય, અત્યંત કપરી અને તપસ્યા ભરેલી સાધના તરીકે ગણાય છે. દરેક જૈન ભાઈ-બહેનના હૃદયમાં આ યાત્રા કરવાની ભાવના અવશ્ય જ હોય છે, પરંતુ તેને પૂર્ણ કરવા માટે ઓછામાં ઓછા 45 દિવસની કઠોર સાધના, 45 દિવસના એકાસણા તથા જૈન ધર્મની અનેકવિધ આરાધનાઓનું શિસ્તબદ્ધ પાલન આવશ્યક બને છે.
આ યાત્રા દરમિયાન બાર ગાવ, છ ગાવ, ત્રણ ગાવ, દોઢ ગાવ જેવી વિવિધ યાત્રાઓ તેમજ શેત્રુંજય ગીરી પૂજન સહિતની અનેક વિધિઓ સાથે 99 યાત્રા પૂર્ણ કરવી પોતે જ અતિ દુર્લભ સિદ્ધિ છે. શારીરિક ક્ષમતા સાથે માનસિક સ્થિરતા, સંયમ અને અખૂટ શ્રદ્ધાની અહીં કસોટી થાય છે. ત્યારે રાજકોટના પ્રતિષ્ઠિત જૈન શ્રેષ્ઠિ જિતેન્દ્રભાઈ દોશીને સમગ્ર જૈન સમાજ જાણે છે કે તેમના ઉત્તમ સંસ્કારોને આગળ વધારતા તેમના પૌત્ર અને રાજકોટની અનેક સામાજિક તથા ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા જૈન શ્રેષ્ઠિ કુશાંગભાઈ જિતેન્દ્રભાઈ દોશીના પુત્ર જૈનીલ દોશીએ આ અતિ કપરી એવી 99 યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. જે સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભાગ્યે જ થતી દુર્લભ સિદ્ધિ ગણાય છે. આ સમગ્ર તપસ્યા અને આરાધનામાં માતા અલ્પાબેન, મોટા પપ્પા આશિષભાઈ, ભાભુ દર્શનાબેન તેમજ ભાઈઓ યશ, દેવાંશ, પ્રીત, બ્રુવી અને પર્લ સતત સાથે રહ્યા અને પ્રેરણારૂપ બન્યા. પરિવારની સહયાત્રા અને આધ્યાત્મિક આધાર વિના આવી મહાન સાધના શક્ય બનતી નથી તેનું આ ઉત્તમ ઉદાહરણ અહીં જોવા મળે છે. આ પાવન પ્રસંગે સમગ્ર જૈન સમાજ તરફથી જૈનીલ દોશી પર ભાવભરી અનુમોદના વરસી રહી છે અને તેમના તપ, સંયમ તથા સાધનાને નમન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ સિદ્ધિ અનેક સાધકો માટે પ્રેરણારૂપ બની રહેશે.



