ગીર જંગલ સરહદે કડકડતી ઠંડીમાં પાક બચાવવા ખેડૂતો રાતવાસો કરવા મજબૂર
ખેતર ફરતે વાડ કરવા માટે સરકાર 100 ટકા ખર્ચ ઉઠાવે તેવી પ્રબળ માંગ જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી જિલ્લાના ખેડૂતોનો સરકાર પાસે પોકાર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.8
એશિયાટિક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન ગીરના જંગલની સરહદ પર આવેલા ગામડાઓના ખેડૂતો માટે તેમનો પાક ઉગાડવો અને તેને બચાવવો એ હવે માત્ર ખેતીનો વ્યવસાય નહીં, પણ જીવન-મરણનો સંગ્રામ બની ગયો છે. જૂનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકાઓમાં વસતા આ ખેડૂતો કડકડતી ઠંડી, સિંહ-દીપડા જેવા હિંસક પ્રાણીઓના ભય અને જંગલી રોજ, ભૂંડ, હરણ જેવા વન્યજીવોના ત્રાસ વચ્ચે પોતાના મહામૂલા પાકને બચાવવા માટે દરરોજ રાત આખી ખેતરોમાં ઉજાગરા કરવા મજબૂર બન્યા છે. આ ત્રણેય જિલ્લાની સરહદ પરના ગામડાઓમાં ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય છે. જો ખેડૂત રાત્રિના સમયે ખેતરે રખોલું કરવા માટે થોડીવાર પણ મોડું કરે તો રોજ (નીલગાય) અને ભૂંડ સહિતના જંગલી પ્રાણીઓ ગણતરીની મિનિટોમાં ઊભા પાકનો સર્વનાશ વાળી દે છે. ખેડૂતોની સમસ્યા બેવડી છે. એક તરફ, રાત્રિના અંધારામાં સિંહ અને દીપડા જેવા ખુંખાર વન્યપ્રાણીઓનો હુમલો થવાનો કાયમી ભય રહે છે. જ્યારે બીજી તરફ, પોતાની રોજીરોટી સમાન પાકને બચાવવા માટે ફરજિયાતપણે જાગવું પડે છે, કારણ કે ભૂંડ અને હરણ જેવા વન્યજીવો માત્ર ખેતીના પાકને જ નુકસાન પહોંચાડવા રાત્રે સક્રિય બને છે. સરકાર દ્વારા હાલમાં મોટાભાગના વિસ્તારોમાં રાત્રિના બદલે દિવસે વીજળી આપવામાં આવી છે, જેના કારણે ખેડૂતોની પિયતની સમસ્યા તો હળવી થઈ છે. પરંતુ વન્યજીવોના વધેલા ત્રાસના કારણે રાત્રિના ઉજાગરાની મુશ્કેલી હજી પણ યથાવત્ રહી છે. વન્યજીવોના હુમલાથી પાકને બચાવવા માટે ખેતરોની ફરતે તાર ફેન્સિંગ કરવું એ જ એકમાત્ર અસરકારક ઉપાય છે. હાલમાં સરકાર દ્વારા ખેતરોને ફેન્સિંગ કરવા માટેની યોજના અમલમાં છે, પરંતુ તેમાં ખેડૂતોને માત્ર 30 ટકા જેટલી જ સબસીડી મળે છે. વળી, આ યોજનાનો લાભ લેવા માટે એકી સાથે એકથી વધારે ખેડૂતો સહમત થાય તેવા આંટીઘૂંટી વાળા નિયમો પણ છે, જેના કારણે મોટાભાગના નાના અને સીમાંત ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકતા નથી. વળી, તાર ફેન્સિંગનો ખર્ચ ઘણો મોટો હોય છે, જે એક સામાન્ય ખેડૂત માટે 30% સબસીડી સાથે પણ વહન કરવો મુશ્કેલ બને છે. આવી દયનીય અને ત્રાસદાયક સ્થિતિથી ત્રાહિમામ પોકારી ગયેલા ગીર પંથકના ગામડાઓના ખેડૂતોએ હવે સરકાર સમક્ષ એક ઠોસ અને ક્રાંતિકારી માંગણી મૂકી છે. ખેડૂતોની માંગ છે કે, ગીરના જંગલને ધ્યાને લઈને અને ખેડૂતો તેમજ વન્યપ્રાણીઓ બંનેના હિત ખાતર, સરકારે ખાસ કિસ્સામાં ફેન્સિંગ માટે 100 ટકા સબસીડી આપવાની યોજના તાત્કાલિક અમલમાં લાવવી જોઈએ. ખેડૂતો દલીલ કરી રહ્યા છે કે, જો સરકાર દ્વારા આ 100 ટકા સબસીડીવાળી ફેન્સિંગ યોજના અમલમાં આવે તો તેના અનેક ફાયદાઓ થશે. ખેડૂતો તેમના મહામૂલા પાકને વન્યજીવોથી સંપૂર્ણપણે રક્ષણ આપી શકશે. ખેડૂતોના રાત્રિના ઉજાગરા બંધ થશે અને તેઓ હિંસક પ્રાણીઓના ભય વિના શાંતિથી ઊંઘી શકશે. ખેતરોની ફરતે ફેન્સિંગ થવાથી સિંહ-દીપડા જેવા પ્રાણીઓ ખેતરોમાં પ્રવેશતા અટકશે, જેનાથી માનવ પર થતા હુમલાઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે અને ખેડૂતોને આર્થિક રીતે મોટી રાહત મળશે અને તેમનું મનોબળ ટકાવી શકાશે. ખેડૂતોની આ સમસ્યા માત્ર તેમની વ્યક્તિગત મુશ્કેલી નથી, પણ જંગલની નજીક રહેતા ગ્રામીણ સમાજની મોટી આર્થિક અને સુરક્ષા સંબંધિત સમસ્યા છે. સરકારે આ વિસ્તારને ’ખાસ કિસ્સા’ તરીકે ગણીને વન્યજીવોના સંરક્ષણ અને માનવ સુરક્ષા વચ્ચે સંતુલન જાળવતું નક્કર પગલું ભરવું જરૂરી છે.



