ધરતીપુત્રોની વેદના સાંભળી સરકરી તંત્ર દોડતું થયું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ વરસાદથી અસરગ્રસ્ત જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ખડપીપળી ગામની મુલાકાત લીધી હતી. મંત્રીઓએ ખેડૂતોના ખેતરમાં જઈને કમોસમી વરસાદને કારણે મગફળી સહિતના પાકોને થયેલા નુકસાનનું નિરીક્ષણ કર્યું હતું અને ખેડૂતોની રજૂઆતો સાંભળી હતી.
- Advertisement -
મંત્રી અર્જુનભાઈએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશ મુજબ જુદા જુદા જિલ્લાઓમાં પાકને થયેલા નુકસાનીનો તાગ મેળવવામાં આવ્યો છે. તેમણે સ્વીકાર્યું હતું કે, ગઈકાલે અને અગાઉ પણ મેંદરડા પંથકમાં ભારે વરસાદના કારણે ખેતીના પાકોને મોટું નુકસાન થયું છે, જેમાં ખાસ કરીને મગફળીના પાકમાં વધુ નુકસાન થયું છે, જ્યારે અન્ય પાકમાં અંશત: નુકસાન જોવા મળ્યું છે. મંત્રીએ ખેડૂતોને ખાતરી આપી હતી કે, આ નુકસાનીનો પ્રાથમિક અહેવાલ આવતીકાલે કેબિનેટમાં રજૂ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, પાક નુકસાનીનો તાત્કાલિક સર્વે કરાવીને ખેડૂતોને દરેક પ્રકારે મદદ કરવામાં આવશે. આ મુલાકાત દરમિયાન મંત્રીઓ સાથે સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગઠીયા, જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમ્મર, જિલ્લા ભાજપ પ્રમુખ, કલેકટર અનિલકુમાર રાણાવસિયા અને જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ જોડાયા હતા.



