ફરિયાદ પક્ષ પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહેતા સેશન્સ જજ દ્વારા આરોપીઓને નિર્દોષ જાહેર કરવાનો હુકમ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ સેશન્સ કોર્ટે એક સનસનાટીભર્યા ચુકાદામાં, ઘર પર ફાયરિંગ કરી હત્યાના પ્રયાસ કરવાના ગંભીર ગુનામાં સંડોવાયેલા રાજકોટના કુખ્યાત આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે. આ કેસ તા. 31/01/2019ના રોજ નોંધાયેલી ફરિયાદ પર આધારિત હતો.
ફરિયાદી સુલ્તાનાબેન રજાકભાઈ કારીયાણીની ફરિયાદ મુજબ, રાત્રીના સમયે તેમના ઘરે બે વ્યક્તિઓ આવ્યા હતા અને અલાઉદ્દીનભાઈ વિશે પૂછપરછ કરી હતી. આ દરમિયાન આરોપીઓ પૈકીના એક વ્યક્તિએ પોતાનું નામ વસીમ દલવાણી જણાવી, સુલ્તાનાબેન પર પિસ્તોલ તાકીને ફાયરિંગ કરી તેમની હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ ફરિયાદીના જેઠ અલાઉદ્દીનભાઈ, પતિ રજાકભાઈ અને જેઠાણી મુમ્તાબેને નજરે જોયો હતો. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફરિયાદીના જેઠના દીકરા સુલ્તાનના મિત્ર ધીમલ ગોસ્વામી સાથેની જૂની અદાવતમાં સુલ્તાનની હત્યા કરવાના ઇરાદે તેના ઘર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
પુરાવાના અભાવે આરોપીઓ નિર્દોષ છૂટ્યા: ઘટનાસ્થળેથી ફાયરિંગમાં વપરાયેલી પિસ્તોલ, ખાલી કારતૂસ અને ફૂટેલી ગોળી મળી આવી હતી. કેસની કાર્યવાહી દરમિયાન નજરે જોનાર સાહેદો, વિવિધ પંચનામાના પંચો અને પોલીસ સાહેદોની અદાલત દ્વારા તપાસ કરવામાં આવી હતી.
રાજકોટ સેશન્સ કોર્ટમાં કેસ ચાલવા પર આવતા આરોપીઓના વકીલ પાર્થરાજસિંહ ઝાલાએ સાહેદોની ઉલટ તપાસ કરી હતી. આ કેસમાં આરોપીઓ ઇમ્તિયાઝ લોલડીયા, મજીદ દલવાણી, વસીમ દલવાણી, મહેબૂબ અઘામ, હુસેન સંધી, અનીશ સાંધ અને તનવીર હિંગોરજા વતી વકીલો હુસેનભાઈ હેરંજા, જયદેવસિંહ ઝાલા, પાર્થરાજસિંહ ઝાલા સહિતના વકીલો રોકાયેલા હતા.
સેશન્સ જજે તા. 30/09/2025 ના રોજ ચુકાદો આપતા જણાવ્યું હતું કે, આરોપીઓ કુખ્યાત ગુનેગારો હોય અને તેમના પર અસંખ્ય ગુનાઓ નોંધાયેલા હોવા છતાં, ફરિયાદ પક્ષ આ ગુનો પુરવાર કરવામાં નિષ્ફળ રહ્યો છે. પુરાવાના અભાવે રાજકોટ સેશન્સ કોર્ટે તમામ આરોપીઓને છોડી મુકવાનો હુકમ કર્યો હતો.



