ST બસમાં અપડાઉન કરતાં મુસાફરો માટે ગુડ ન્યૂઝ
15 દિવસના ભાડામાં 30 દિવસ અને 45 દિવસના ભાડામાં 90 દિવસ મુસાફરી
- Advertisement -
રાજ્યના 2.5 લાખથી વધુ નોકરિયાતો અને વેપારીઓને સીધો લાભ
ગુજરાતમાં એસ.ટી. બસમાં રોજિંદા અપડાઉન કરતા લાખો નોકરિયાતો, વેપારીઓ અને ધંધાર્થી વર્ગના આર્થિક હિતને ધ્યાને રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા દૈનિક મુસાફર પાસ યોજનાના નિયમોમાં લોકહિતલક્ષી સુધારો કરવામાં આવ્યો છે. આ સુધારા અંતર્ગત દૈનિક મુસાફર પાસ યોજનામાં ભાડા રાહત વધારીને ૫૦ ટકા સુધી કરવામાં આવી છે. નિગમના આ નિર્ણયથી જાહેર પરિવહનનો ઉપયોગ કરતા મુસાફરોને સીધો આર્થિક ફાયદો પ્રાપ્ત થશે. એસ.ટી. નિગમે પાસ યોજનાના ભાડા માળખામાં નોંધપાત્ર ફેરફાર કર્યો છે. અગાઉ માસિક પાસ મેળવવા માટે મુસાફરે ૧૮ દિવસનું ભાડું ચૂકવવું પડતું હતું, જેને ઘટાડીને હવે માત્ર ૧૫ દિવસનું કરી દેવાયું છે. એટલે કે મુસાફરો હવે માત્ર ૧૫ દિવસના ભાડામાં પૂરા ૩૦ દિવસ સુધી મુસાફરી કરી શકશે. આ જ રીતે, ત્રિમાસિક પાસ ધારકો માટે અગાઉ ૫૪ દિવસનું ભાડું વસૂલવામાં આવતું હતું, જેના સ્થાને હવે માત્ર ૪૫ દિવસનું ભાડું ચૂકવીને સતત ૯૦ દિવસ સુધી મુસાફરીનો લાભમેળવી શકાશે.
GSRTCના આ પ્રજાલક્ષી અને સુધારાત્મક નિર્ણયથી દૈનિક ધોરણે બસમાં અપડાઉન કરતા આશરે ૨.૫ લાખથી વધુ નોકરિયાતો, શ્રમજીવીઓ અને નાના-મોટા વ્યવસાયી વર્ગને દર મહિને મોટો આર્થિક ફાયદો થશે. નિગમનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોને આર્થિક બોજમાંથી મુક્તિ અપાવીને સલામત, સુવિધાજનક અને ગુણવત્તાસભર જાહેર પરિવહન સેવાનો મહત્ત્વપૂર્ણ ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.




