જલારામ બાપાના યાત્રાધામમાં રાજશાહી યુગથી ચાલી આવતી ગરબી; આધુનિક ગીતોને સ્થાન નહીં
ખાસ-ખબર ન્યૂઝ વીરપુર
સમગ્ર ગુજરાતમાં જગત જનની મા જગદંબાની નવરાત્રીના પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે, ત્યારે સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર ખાતે એક અનોખી પરંપરા જીવંત છે. ટાવર ચોકમાં આવેલું રાજશાહી યુગનું ’નવદુર્ગા ગરબી મંડળ’ તેની 147 વર્ષની ગૌરવશાળી પરંપરાને આજે પણ જાળવી રહ્યું છે.
આ ગરબી મંડળની બાળાઓ દ્વારા આ વર્ષે પણ માત્ર પ્રાચીન ગરબા રજૂ કરીને માતાજીની આરાધના કરવામાં આવી રહી છે. આ ગરબીની સૌથી મોટી વિશેષતા એ છે કે તેની સ્થાપના રાજશાહી વખતે થઈ હતી અને ત્યારથી લઈને આજ સુધી આ મંડળે તેની મૂળભૂત ઓળખ અને પ્રાચીન શૈલીને જાળવી રાખી છે. અહીં આધુનિક ગરબા કે ફિલ્મી ગીતોને કોઈ સ્થાન આપવામાં આવતું નથી. માત્ર પારંપરિક ઢબના, માતાજીના ગુણગાન ગાતા અને ગુજરાતી સંસ્કૃતિને ઉજાગર કરતા ગરબા જ રજૂ થાય છે.
બાળાઓ અને કિશોરીઓ ઉત્સાહભેર રાસ-ગરબાના તાલે ઝૂમી ઊઠે છે. તેમના લયબદ્ધ અને મનમોહક પ્રાચીન ગરબા જોઈને જાણે ભક્તોને સાક્ષાત માતાજીના આશીર્વાદ મળી રહ્યા હોય તેવો અનુભવ થાય છે. આ પ્રાચીન ગરબાને નિહાળવા માટે આસપાસના ગામલોકો સહિત મોટી સંખ્યામાં નગરજનો દરરોજ રાત્રે ટાવર ચોકમાં હાજરી આપે છે અને ધન્યતા અનુભવે છે. વીરપુરના આ પ્રાચીન ગરબી મંડળે માત્ર એક ઉત્સવ નહીં, પરંતુ ધાર્મિક શ્રદ્ધા, સંસ્કૃતિ અને પૌરાણિક વારસાના જતનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. નગરજનો મંડળની 147 વર્ષની અવિરત સેવાને બિરદાવી રહ્યા છે અને આ પ્રાચીન પરંપરા અખંડ રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી રહ્યા છે.
- Advertisement -



