કુવાડવા- સરધાર રોડ, વાજડીગઢ, માંડા ડુંગર વિસ્તાર, રિંગ રોડ-2માં નવા રસ્તા બનશે
રૂડા વિસ્તારમાં આવતા ગામમાં 3.40 કરોડના ખર્ચે સ્ટ્રીટ લાઈટની કામગીરી હાથ ધરવામાં આવશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.23
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા આજે 178મી બોર્ડ બેઠક મ્યુનિસિપલ કમિશનર અને ચેરમેન તુષાર સુમેરાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બોર્ડ બેઠકમાં રસ્તા, લાઈટ સહિતની દરખાસ્તોને મંજૂર કરવામાં આવી છે. સત્તામંડળ વિસ્તારમાં સૂચિત કરાયેલ નગર રચના યોજના નં.39(બેડી)ની નક્કી થયેલ હદમાં સુધારો કરવા મંજૂરી આપી છે. રૂડા વિસ્તારમાં રીંગ રોડ-2 ફેઝ-5 (અમદાવાદ હાઈવે થી મોરબી રોડ) સુધીના આશરે 10 કી.મી. સેકશનના બાંધકામ માટે રૂ. 186.96 કરોડની ગ્રાન્ટ મળેલી છે જે મંજૂરી કરાઈ છે. અમદાવાદ નેશનલ હાઇવે (કુવાડવા ૠઈંઉઈ) થી કુવાડવા સરધાર રોડ(સ્ટેટ હાઇવે-23) ના આશરે 2.43 કી.મી. લંબાઈમાં આશરે 16.87 કરોડના ખર્ચે કામગીરી હાથ ધરવા મંજૂરી આપવામાં આવી. વાજડીગઢ ગામમાં ડામર રસ્તા બનાવવાની કામગીરી માટે રકમ રૂ10 કરોડના ખર્ચને બહાલી આપવામાં આવેલી છે. મહિકાના માંડાડુંગર વિસ્તારમાં સત્તામંડળ દ્વારા સરપંચ તથા ગ્રામજનો દ્વારા રસ્તો બનાવવા રજુઆતને ધ્યાને લઈ 1.60 કી.મી. લંબાઈમાં આશરે 2.42 કરોડના ખર્ચે કામગીરી હાથ ધરવા મંજૂરી આપવામાં આવી છે. રીંગ રોડ-2, ફેઝ-3 (ગોંડલ રોડ ટુ ભાવનગર રોડ)ના આશરે 10.50 કી.મી. લંબાઈમાં આશરે રૂ.15 કરોડના ખર્ચે રીસર્ફેસીંગની કામગીરી કરવામાં આવશે. રૂડાવિસ્તારમાં 31.50 કરોડના ખર્ચે રોણકીમાં અને રૂ. 29 કરોડના ખર્ચે કાંગશિયાળી ગામમાં વિસ્તારમાં પાણી પુરવઠાની યોજના હાથ ધરવામાં આવશે. રૂડાવિસ્તારમાં આવતા ગામોમાં થતાં વિકાસને ધ્યાને લઈ ગામોમાં સ્ટ્રીટ લાઈટની કામગીરી રૂ. 3.40 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે.



