વાલ્મીકી સમાજે નગરપાલિકા સામે કાયદેસરની કાર્યવાહી અને ન્યાયની માંગ કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા શહેરમાં 18 દિવસથી ચાલી રહેલી સફાઈ કામદારોની હડતાલનો અંત આવ્યા બાદ મામલો ફરી ગરમાયો છે. કામદારોને આપેલા બાંહેધરી પત્રમાં 15 દિવસની રોસ્ટર પ્રથા માત્ર બે મહિના સુધી ચાલુ રાખીને બાદમાં આપોઆપ છુટા કરવાની જોગવાઈ લખાતા વાલ્મીકી સમાજમાં ભારે રોષ ફેલાયો છે.
- Advertisement -
પ્રાપ્ત વિગતો મુજબ, નગરપાલિકા દ્વારા કામદારોને લેખિત ખાતરી આપવાના બદલે માફીનામા જેવા પત્ર પર સહીઓ લેવાઈ હતી. તેમાં 15/11/2025થી કામદારો આપોઆપ છુટા થઈ જશે એવું ઉલ્લેખ હતું. સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ, અભણ અને અજાણ કામદારોથી અંગુઠા સાઇન લેવાઈ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના બહાને શહેર સફાઈ કરાવી છેતરપિંડી કરવામાં આવી છે. વાલ્મીકી સમાજના આગેવાનો પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ તથા સભ્યો સામે ફોજદારી ગુનો દાખલ કરવાની માંગ કરી છે. તેમણે ચેતવણી આપી છે કે જો વ્યાજબી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આંદોલન ફરી તેજ કરવામાં આવશે.
સમાજના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ બારૈયા અને કિશોરભાઈ ધાખડાએ જણાવ્યું કે, હવે જો નગરપાલિકા બહારથી એજન્સી મારફતે સફાઈ કામ શરૂ કરશે તો તેનો વિરોધ થશે. સાથે જ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે 20 સપ્ટેમ્બરે ભાવનગર આવશે ત્યારે સમગ્ર ગુજરાતમાંથી વાલ્મીકી સમાજના આગેવાનો મળી સીધી રજૂઆત કરશે.



