હવે દરિયા મારફતે ઈંગ્લીશ દારૂની હેરફેર
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
જૂનાગઢ જિલ્લાના માંગરોળ નજીક આવેલા શેરયાજ બારા દરિયાકાંઠેથી એક બિનવારસુ હોડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મસમોટો જથ્થો મળી આવ્યો છે. મરીન પોલીસ અને કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં આ દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. દારૂનો જથ્થો કોનો છે અને ક્યાંથી આવ્યો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
- Advertisement -
પોલીસ પ્રાપ્ત વિગત મુજબ માંગરોળના શેરયાજ બારા દરિયાકાંઠે મરીન પોલીસ અને કોસ્ટગાર્ડની આ કાર્યવાહી દરમિયાન, એક બિનવારસુ હોડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. દારૂ અને બિયરના ટીનની કુલ કિંમત રૂ. 6,89,680 આંકવામાં આવી છે. પોલીસને મળેલી બાતમીના આધારે, “સુલતાન-26” નામની હોડી, જેનો રજીસ્ટ્રેશન નંબર ઈંગઉ ૠઉં 11 ખઘ 1933 છે, તેમાંથી આ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે હોડીમાંથી વિવિધ બ્રાન્ડની કુલ 1796 બોટલો અને 504 ટીન બિયરનો જથ્થો કબજે કર્યો છે. આ રેડ દરમિયાન હોડીમાં કોઈ ઈસમ હાજર ન હોવાથી પોલીસે આ મામલે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ દારૂનો જથ્થો કોના દ્વારા લાવવામાં આવ્યો હતો અને ક્યાંથી આવ્યો તે દિશામાં તપાસ ચાલી રહી છે.



