કંપનીની સ્પષ્તા : લાગણી દુભાવવાનો હેતુ નહોતો
બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનનનો એક રક્ષાબંધન સ્પેશિયલ વિજ્ઞાપન વીડિયો પર સોશિયલ મીડિયા પર મોટો વિવાદ ઊભો થયો છે. એક જાણીતી જવેલરી બ્રાન્ડ માટે શૂટ કરવામાં આવેલી આ ફેસ્ટિવ એડમાં કૃતિ સેનના કપડાં
અંગે લોકોએ વાંધો ઉઠાવ્યો હતો. આ મુદ્દા ભાજપ અને કોંગ્રેસે રાજકારણ પણ શરૂ કરી દીધું હતું. વિવિધ વર્ગો દ્વારા ઉગ્ર વિરોધ બાદ કંપનીએ સત્તાવાર નિવેદન આપીને તમામ ડિજિટલ અને મીડિયા પ્લેટફોર્મ પરથી આ
વિજ્ઞાપન સંપૂર્ણપણે પાછું ખેંચી લીધું છે. વિવાદ વકરતાં કંપની પ્રશાસને એક સત્તાવાર સ્પષ્ટતા આપતાં જણાવ્યું કે, અમે ભારતીય સંસ્કૃતિ, સનાતન પરંપરા અને પવિત્ર તહેવારોનું પૂર્ણ સન્માન કરીએ છીએ. એક સંસ્થા તરીકે
અમે હંમેશાં સમગ્ર પરિવાર સાથે ઉત્સાહપૂર્વક તહેવારોની ઉજવણીમાં માનીએ છીએ. આ કેમ્પેઇન દ્વારા અમે પરિવારના હિસ્સા સમાન પાલતુ પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જો અમારા આ પ્રયાસથી
સમાજના કોઈપણ વર્ગની લાગણી દુભાઈ હોય તો તે અમારો ઈરાદો ક્યારેય નહોતો. સૌની ભાવનાઓનું માન રાખીને અમે તમામ મીડિયા માધ્યમો પરથી આ
જાહેરાત તાત્કાલિક અસરથી પાછી ખેંચી રહ્યા છીએ.
આ જાહેરાતમાં કૃતિ સેનન ઓફ-વ્હાઇટ કલરના બ્રાલેટ-સ્ટાઈલ બ્લાઉઝ, ડ્રેપ્ડ સ્કર્ટમાં જોવા મળી હતી. વીડિયો સામે આવતાં જ યુઝર્સે સોશિયલ મીડિયા પર ટિપ્પણીઓ કરવાનું શરૂ કર્યું કે ભાઈ-બહેનના પવિત્ર તહેવાર માટે
આવો પોશાક ભારતીય સંસ્કૃતિ અને મર્યાદાને અનુરૂપ નથી. અભિનેત્રી કંગના રણૌતે પણ સોશિયલ મીડિયા પર નામ લીધા વગર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, મહિલાઓને પોતાની પસંદગીના કપડાં પહેરવાની સંપૂર્ણ
સ્વતંત્રતા છે, પરંતુ ભારતીય તહેવારો અને સંસ્કૃતિ સાથે જોડાયેલા કેમ્પેઇનમાં યોગ્ય ગરિમા અને મર્યાદાનું ધ્યાન રાખવું અનિવાર્ય છે. બીજી તરફ, પોતાની સામે થઈ રહેલી ટીકાઓનો જવાબ આપતાં કૃતિ સેનને કહ્યું હતું કે,
કોઈપણ મહિલાના કપડાંથી તેના મનમાં રહેલા સંસ્કૃતિ પ્રત્યેના આદરનું મૂલ્યાંકન ન કરી શકાય. તહેવારોની સાચી ભાવના બાહ્ય પોશાકમાં નહીં, પરંતુ અંતરની લાગણી અને પરંપરામાં રહેલી છે. રક્ષાબંધન રક્ષણ, સ્નેહ અને
સમર્પણનું પ્રતીક છે. હું મારી બહેનને પણ રાખડી બાંધું છું અને અમે એકબીજાની સુરક્ષા તથા દીર્ઘાયુની પ્રાર્થના કરીએ છીએ.
- Advertisement -
રાહુલ ગાંધીએ અભિનેત્રી કૃતિ સેનનને ટેકો આપ્યો હતો
સમગ્ર વિવાદ મામલે કોંગ્રેસ નેતા અને વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ઈન્સ્ટાગ્રામ પર કહ્યું હતું, કે એક સ્ત્રી શું પહેરે છે, તે શું કરે છે અને તે ક્યાં જાય છે – તે તેની પોતાની પસંદગી છે. મહિલાઓ તેમની સ્વતંત્રતાનો ઉપયોગ કરે
ત્યારે તેમને ટ્રોલ કરવાનું બંધ કરો. રાહુલ ગાંધીએ પોતાની આ પોસ્ટ સાથે Smash ThePatriarchy હેશટેગનો ઉપયોગ કર્યો હતો.




