આદિપુરમાં ‘રોયલ ચેલેન્જ’ બ્રાન્ડનો દારુ બનાવાતો, 2 ઝડપાયા, 9 હજાર ખાલી બોટલો પણ મળી
કચ્છના ગાંધીધામ નજીક આદિપુરના 4-A વિસ્તારમાં ભુજ સાયબર સેલની ટીમે દરોડો પાડીને ડુપ્લીકેટ દારૂ બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. સ્થળ પરથી ‘રોયલ ચેલેન્જ’ બ્રાન્ડના નામે બનાવવામાં આવતો ડુપ્લીકેટ દારૂ, 9 હજાર ખાલી બોટલો, 600થી વધુ ભરેલા ક્વાર્ટર, કેમિકલ અને સીલ મારવાનું મશીન કબજે કરાયું છે. પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો બજારમાં સપ્લાય થાય તે પહેલાં જ પોલીસે તેને ઝડપી લીધો હતો. આ કૌભાંડ કેટલા સમયથી ચાલતું હતું અને અન્ય કોણ સામેલ છે તે અંગે તપાસ ચાલી રહી છે. ભુજ સાયબર સેલની ટીમે ચોક્કસ બાતમીના આધારે આદિપુરના 4-A વિસ્તારમાં આવેલી ફેક્ટરી પર અચાનક દરોડો પાડ્યો હતો. જ્યાં ગેરકાયદેસર રીતે ડુપ્લીકેટ દારૂ બનાવવાનું મોટું નેટવર્ક ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું હતું.
- Advertisement -
રોયલ સ્ટેગ બાદ હવે આરોપીઓ દ્વારા ‘રોયલ ચેલેન્જ’ બ્રાન્ડના નામે ડુપ્લીકેટ દારૂ તૈયાર કરવામાં આવી રહ્યો હતો. પોલીસે સ્થળ પરથી કેમિકલ અને બોટલ સીલ કરવાનું મશીન પણ જપ્ત કર્યું છે. દરોડા દરમિયાન પોલીસે 9 હજાર જેટલી ખાલી બોટલો તેમજ દારૂથી ભરેલા 600થી વધુ ક્વાર્ટર કબજે કર્યા છે. તૈયાર કરાયેલા દારૂના ક્વાર્ટર પર સ્ટીકર લગાવવાની કામગીરી બાકી હતી.
પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં મુંબઈના હિતેશ બામણિયા અને ઉત્તર પ્રદેશના મથુરાના બિજેન્દ્ર જાટ નામના બે મુખ્ય આરોપીઓની અટકાયત કરી સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે, જેમાં રેન્જ આઈજી ચિરાગ કોરડિયાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ગોડાઉનમાં મોટા પાયે નકલી દારૂનું ઉત્પાદન કરી જાણીતી બ્રાન્ડ Royal Challengeના સ્ટીકરો લગાડીને બોટલો વેચવાનું કૌભાંડ આચરવામાં આવતું હતું.




