સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગની કથળતી વ્યવસ્થા : વિદ્યાર્થીઓ પરિણામ માટે પરેશાન
તાકીદે પરિણામ જાહેર કરવા વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપુતની કુલપતિ સમક્ષ રજુઆત
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં LLBના સેમેસ્ટર-1 અને સેમેસ્ટર-2ના પરિણામ હજુ સુધી જાહેર ન થતાં પરીક્ષા વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. LLB સેમેસ્ટર-1ની પરીક્ષા તા. 9 ફેબ્રુઆરી 2026ના રોજ લેવામાં
આવી હતી, જ્યારે સેમેસ્ટર-2ની પરીક્ષા તા. 11 એપ્રિલ 2026ના રોજ યોજાઈ હતી. પરીક્ષાને લાંબો સમય વીતી ગયો હોવા છતાં બંને સેમેસ્ટરના પરિણામ જાહેર ન થતાં વિદ્યાર્થીઓમાં ચિંતા જોવા મળી રહી છે. એક તરફ
વિદ્યાર્થીઓ માટે સેમેસ્ટર-3ની પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, તો બીજી તરફ અગાઉની બંને પરીક્ષાના પરિણામ હજુ બાકી છે. નવા કોર્સ અને અભ્યાસક્રમમાં ફેરફાર થતાં વિદ્યાર્થીઓને નવી પુસ્તકો પણ
સમયસર ઉપલબ્ધ ન હોવાની ફરિયાદો વચ્ચે હવે પરિણામમાં વિલંબે તેમની મુશ્કેલીમાં વધુ વધારો કર્યો છે.
આ સમગ્ર મામલે વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરી, LLB સેમેસ્ટર-1 અને 2ના પરિણામ તાત્કાલિક જાહેર કરવા તેમજ પરીક્ષા વિભાગની કામગીરીમાં ઝડપ અને પારદર્શિતા
લાવવાની માંગ કરી છે. રજૂઆતમાં પેપર મૂલ્યાંકનની પ્રક્રિયા સમયબદ્ધ બનાવવા, મૂલ્યાંકન કરતા અધ્યાપકોના મહેનતાણાની ચુકવણી સહિતની પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવા અને પરિણામમાં વિલંબનું સત્તાવાર કારણ
વિદ્યાર્થીઓ સમક્ષ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.
રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, “પરીક્ષા આપ્યા બાદ વિદ્યાર્થીઓ મહિનાઓ સુધી પરિણામની રાહ જુએ અને બીજી તરફ સેમેસ્ટર-3ના ફોર્મ ભરાવવાની પ્રક્રિયા શરૂ થઈ જાય તે યુનિવર્સિટીની પરીક્ષા વ્યવસ્થાની ગંભીર
વહીવટી નિષ્ફળતા છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલા પરિણામની કામગીરીમાં કોઈપણ પ્રકારની ઢીલાશ ચલાવી શકાય નહીં.” નવા પરીક્ષા નિયામક અને પરીક્ષા વિભાગના કો-ઓર્ડિનેટરોની કાર્યપદ્ધતિ સામે પણ સવાલો
ઉઠી રહ્યા છે. પરીક્ષા યોજાયા બાદ સમયસર મૂલ્યાંકન અને પરિણામ જાહેર કરવાની જવાબદારી પરીક્ષા વિભાગની છે ત્યારે વારંવાર પરિણામમાં વિલંબ થતો હોય તો તેની જવાબદારી નક્કી કરવાની માંગ પણ રોહિતસિંહ
રાજપૂતે કરી છે.
- Advertisement -
હજુ થોડા સમય પહેલાં જ B.Com સેમેસ્ટર-2ના પરિણામમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને ખોટી રીતે નાપાસ કરાયા હોવાના આક્ષેપો થયા હતા અને પરિણામ રદ કરવાની માંગ પણ ઉઠી હતી. હવે LLBના પરિણામમાં વિલંબને
કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા વ્યવસ્થાની કામગીરી ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી છે.
રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, કુલપતિની યુનિવર્સિટીમાં હાજરી કરતાં અમદાવાદમાં હાજરી વધુ હોય તેવું વિદ્યાર્થીઓને લાગી રહ્યું છે. પોતાના નજીકના લોકોને કાયમી રજિસ્ટરમાં ભરતી કરાવવાની પ્રક્રિયા ઝડપથી થઈ
શકે છે, તો વિદ્યાર્થીઓના પરિણામ અને પરીક્ષા સંબંધિત કામગીરી કેમ ઝડપથી થઈ શકતી નથી? કુલપતિએ હવે વ્યક્તિગત નહીં પરંતુ વિદ્યાર્થીલક્ષી કામગીરીને પ્રાથમિકતા આપવી જોઈએ. પરીક્ષા નિયામકને પણ નિશાન
બનાવતા જણાવ્યું હતું કે, “ખોટી ફિલોસોફી અને વહીવટી ઢીલાશ છોડીને પરીક્ષા બાદ પારદર્શક પેપર મૂલ્યાંકન અને ઝડપી પરિણામ પ્રક્રિયા સુનિશ્ચિત કરવી જોઈએ. પરીક્ષા વિભાગ વિદ્યાર્થીઓની મુશ્કેલી દૂર કરવા માટે છે,
મુશ્કેલી વધારવા માટે નહીં.”
રોહિતસિંહ રાજપૂતે કુલપતિ સમક્ષ માંગ કરી છે કે LLB સેમેસ્ટર-1 અને 2ના પરિણામ તાત્કાલિક જાહેર કરવામાં આવે, પરિણામમાં વિલંબનું કારણ સ્પષ્ટ કરવામાં આવે, પરીક્ષા વિભાગની કામગીરીની સમીક્ષા કરવામાં આવે
અને ભવિષ્યમાં પરીક્ષા તથા પરિણામની પ્રક્રિયા સમયબદ્ધ રીતે પૂર્ણ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે બેદરકારી ચાલુ રહેશે તો વિદ્યાર્થીહિતમાં ઉગ્ર રજૂઆત કરવાની ચીમકી પણ તેમણે આપી છે.




