યાંત્રિક રાઇડ્સના 34 પ્લોટ સહિત વિવિધ કેટેગરીના પ્લોટનું ફાળવણી-અલોટમેન્ટ પૂર્ણ
રાજકોટમાં આગામી લોકમેળાની તૈયારીઓનો પ્રારંભ થઈ ગયો છે. લોકમેળાના મેદાનમાં હવે ધીમે ધીમે રોનક જોવા મળી રહી છે. યાંત્રિક રાઇડ્સ માટે પ્લોટની ફાળવણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સંચાલકો દ્વારા નાની-મોટી
ચકરડી સહિતની રાઇડ્સ ગોઠવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેના કારણે આગામી દિવસોમાં લોકમેળાનું મેદાન રાઇડ્સ અને મનોરંજનના સાધનોથી ધમધમતું જોવા મળશે. ગત વર્ષે સલામતીની એસઓપીના
કારણે અનેક નાની-મોટી ચકરડીઓ બંધ રહેતાં લોકમેળામાં આવતા બાળકો અને પરિવારોમાં નિરાશા જોવા મળી હતી. જોકે, આ વર્ષે નવી એસઓપી મુજબ યાંત્રિક રાઇડ્સને મંજૂરી મળતાં બાળકોમાં ફરી ઉત્સાહનો માહોલ જોવા
મળી રહ્યો છે. લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા યાંત્રિક રાઇડ્સની કેટેગરી E, F, G અને H હેઠળ કુલ 34 પ્લોટ ફાળવવામાં આવ્યા છે અને સંચાલકોને અલોટમેન્ટ લેટર પણ આપી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત આઇસક્રીમ
માટે 17 પ્લોટ તેમજ ખાણીપીણીના મોટા અને કોર્નર પ્લોટની પણ ફાળવણી કરવામાં આવી છે. પ્લોટ ફાળવણી બાદ હવે મેદાનમાં ચકરડીઓ ઊભી કરવાની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. ચકરડીઓના માળખા ઊભા
થવા સાથે જ લોકમેળાની શરૂઆતની ઝલક જોવા મળી રહી છે.




