કેનાલની સફાઈ અને સમારકામ કાગળો પર રાખી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.31
રાજ્યના દરેક જિલ્લાના ખૂણે ખૂણે પાણી પહોંચે અને ખેડૂતો સમૃધ્ધ બને તે માટે નર્મદા કેનાલોનું નિર્માણ કરાયું હતું પરંતુ કહેવાય છે ને કોઈપણ સરકારી કામ ભ્રષ્ટાચાર વગર સરકારી કામ ન કહેવાય તે પ્રકારે રાજ્યભરમાં નર્મદા કેનાલો નિર્માણમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો જેને લઈને જ ટૂંકાગાળામાં જ આ કેનાલોમાં વારંવાર ગાબડા પાડવાની સ્થિતિ સર્જાય છે. ત્યારે આ ભ્રષ્ટાચાર આટલેથી અટકતો ન હોય તેમ દર વર્ષે કેનાલોને સફાઈ અને સમારકામ માટે પણ લાખ્ખો રૂપિયા ચૂકવાય છે જેમાં પણ ભ્રષ્ટાચાર આચરતો હોવાનું સામે આવ્યું છે. જેના ઉદાહરણ સ્વરૂપે ધ્રાંગધ્રા ગ્રામીણ કાયદા રોડ પરથી પસાર થતી નર્મદા કેનાલનું પાણી માર્ચ મહિનામાં બંધ કરાયું હતું.
- Advertisement -
કેનાલોને સફાઈ અને સમારકામ માટે પાણીની આવક બંધ કરી હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ આ કેનાલની સ્થિતિ જોતા ક્યાંય પણ સફાઈ અથવા સમારકામ થયું હોવાનું નજરે પડતું નથી કારણ કે વર્તમાન સ્થિતિએ કેનાલમાં મસમોટા ગાબડા અને બાવળની ઝાડીઓ નજરે પડી રહી છે ત્યારે માત્ર કેનાલની સફાઈ અને સમારકામ માટે લાખ્ખો રૂપિયાનું બિલ પણ ચૂકવી દેવાયું છે જેથી કેનાલની સફાઈ અને સમારકામ માટે કાગળો પર જ થયું હોવાનું સામે આવે છે આ પ્રકારની સ્થિતિને લીધે વારંવાર કેનાલમાં ગાબડા પડતા હજારો લીટર પાણીનો વેડફાટ અને ખેડૂતોને નુકશાન થઈ રહ્યું છે જ્યારે નર્મદા વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો મિલીભગતથી ભ્રષ્ટાચાર આચરતા તેનો ભોગ સામાન્ય માણસોને બનવું પડે છે. ત્યારે હાલ કુડા ચોકડી નજીક આવેલી નર્મદા કેનાલની આજુબાજુ પોતાની ખેતી લાયક જમીન ધરાવતા ખેડૂતો દ્વારા કેનાલમાં પડેલું ગાબડાં તાત્કાલિક સમારકામ કરી બાવળની ઝાડીઓ સફાઈ કરવા માટેની માંગ કરી છે.



