ગુજસીટોક આરોપી ધીરેનને છુપાવવા બોગસ સીમકાર્ડ રેકેટ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.28
જૂનાગઢ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સૂચના તથા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે ક્રાઇમ બ્રાંચે કાર્યવાહી હાથ ધરી છે. ગુજસીટોક કાયદા હેઠળના ગુનામાં નાસતા ફરતા આરોપી ધીરેન કારીયાને પોલીસ પકડથી દૂર રાખવા માટે તેના પત્ની અને પુત્ર દ્વારા બોગસ સીમકાર્ડનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો પર્દાફાશ થયો છે. આ મામલે રાધનપુર ખાતેથી 1001 એક્ટિવેટેડ બોગસ સીમકાર્ડ પણ કબજે કરી, સંડોવાયેલા તમામ ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
- Advertisement -
ક્રાઈમ બ્રાંચના પો.ઇન્સ. જે.જે.પટેલના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ ગુજસીટોકના ગુન્હામાં નાસતા ફરતા આરોપી ધીરેન કારીયાને પકડવા માટે કાર્યરત હતો. આ તપાસ દરમિયાન આરોપી પરમના મોબાઈલ ફોનમાં સીમકાર્ડ બાબતેની માહિતી મળી હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે, આરોપી પરમ કારીયાના કુટુંબી મામા સંદીપ ઉર્ફે બંટી (રહે. વડોદરા) દ્વારા બહારના રાજ્યના ત્રણ સીમકાર્ડ ધરમ ઉર્ફે ધવલ સ/ઓ વૃંદાવનભાઈ રતિલાલ મીઠીયા (રહે. જુનાગઢ) ને મોકલેલ હતા. આ ત્રણેય સીમકાર્ડ કબજે કરી આગળની તપાસ ક્રાઈમ બ્રાંચ દ્વારા ચલાવવામાં આવી.
વધુ તપાસમાં સામે આવ્યું કે, ગુજસીટોક ગુનામાં નાસતા ફરતા આરોપી ધીરેન કારીયાને પોલીસ પકડથી દૂર રાખવા માટે તેના પત્ની નિશાબેન ધીરેન કારીયા અને તેના પુત્ર પરમ કારીયાએ બીજા રાજ્યના ઠગાઈથી મેળવેલા સીમકાર્ડનો ઉપયોગ કર્યો હતો. આ સીમકાર્ડ તેમના કુટુંબી ભાઈ સંદીપ ઉર્ફે બંટી (રહે. વડોદરા) મારફતે આરોપી ભરત શંકરભાઈ પરમારા (રહે. અમિપુરા ગામ, તા. રાધનપુર) પાસેથી મેળવેલ હતા. આ સિવાય, પોલીસે આરોપી ભરત પરમાર પાસેથી કુલ 1001 એક્ટિવેટેડ બોગસ સીમકાર્ડ પણ કબજે કર્યા છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ બી ડિવિઝનમાં ગુન્હો દાખલ કરેલ. ત્યારે પરમ ધીરેન કારીયા અને ભરતભાઈ શંકરભાઈ પરમારને ઝડપી પાડ્યા હતા જ્યારે અટક કરવાના આરોપીઓમાં ભરથ અંબુલા (રહે. વિજયવાડા, આંધ્રપ્રદેશ), ચાંદનકુમાર મોહનાંતી (રહે. ઓડીશા રાજ્ય), સંદીપ ઉર્ફે બંટી જગદીશભાઈ અઢીયા રહે.વાઘોડીયા રોડ, વડોદરા અને નિશાબેન ધીરેન કારીયા રહે.જુનાગઢને ઝડપી લેવા વધુ તપાસ શરુ કરી છે.



