નવનિયુક્ત CM રાજકોટ આવનાર હતા તે પહેલાં જ ભાજપી નેતાઓ બાખડી પડ્યા’તા
ખાસ-ખબર સંવાદદાતા
નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગઈકાલે રાજકોટ અને જામનગરમાં વરસાદના કારણે ભારે ખાનાખરાબી સર્જાઈ હોવાના કારણે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે આવેલ હતા, જ્યાં રાજકોટમાં સ્વાગત માટે આવેલા ભાજપના નેતાઓ પહેલા ઉભા રહેવાની લ્હાયમાં બાખડી પડ્યા હતા. જ્યાં હાજર સાંસદ મોકરીયા, મેયર સહિતનાઓએ શાંત પાડ્યા હતા. આ સાથે રાજકોટ કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠક માટે આવેલ ભૂપેન્દ્ર પટેલને બેસાડવા માટે પાંચ-પાંચ ખુરશીઓ બદલાવી પડી હતી. ભાજપના સાંસદ મોહન કુંડારિયા અને જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ચેતન રામાણી વચ્ચે લાઈનમાં ઉભા રહેવા બાબતે ‘ચડભડ’ શરૂ થયા બાદ વાત કાર્યાલય બંધ કરવા સુધી પહોંચી ગઈ હતી અને એ દરમિયાન શબ્દબાણનો વરસાદ થઈ જતાં ઉપસ્થિત સાંસદ રામભાઈ મોકરિયા, મેયર પ્રદીપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી સહિતના નેતાઓએ બંનેને શાંત પાડ્યા હતા. એકંદરે ‘તું નહીં હું પહેલાં’ની લ્હાયમાં નેતાઓ વચ્ચે મુખ્યમંત્રીને પોતાના મુખદર્શન કરાવવાની રેસ ચાલી રહી હોય તેવી રીતે લાઈન લાગી ગઈ હતી અને તેમાં ઉભા રહેવા બાબતે ડખ્ખો થયાનું જાણવા મળી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ જિલ્લાના વાગુદડ ગામ આસપાસના વિસ્તારના અસરગ્રસ્તોને મળ્યા હતા અને પૂરની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. તેમના આગમન પૂર્વે રાજકોટના સાંસદ મોહન કુંડારિયા, તમામ ધારાસભ્યો, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મેયર પ્રદીપ ડવ અને રાજકોટ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ચેતન રામાણી સહિતના અગ્રણીઓ ત્યાં આવી પહોંચ્યા હતા.
આ તમામ નેતાઓ મુખ્યમંત્રીને આવકારવા માટે ઉભા હતા ત્યારે લાઈનમાં એક પછી એક આગેવાનોને ઉભા રહેવાનું કહેવાતાં કુંડારિયા અને રામાણી વચ્ચે જામી પડી હતી. આમ નવનિયુક્ત મુખ્યમંત્રી રાજકોટ આવે તે પહેલાં જ આ પ્રકારે ડખ્ખો થતાં ચારે બાજુ તેની ચર્ચા ચાલી રહી છે.
ચેતન રામાણીએ મોહન કુંડારિયાને સાત વર્ષથી કાર્યાલય ન ખોલવા મામલે ટોણો માર્યો હતો જે સાંભળી કુંડારિયાએ ઉશ્કેરાઈ જઈને કહી દીધું હતું કે તમારે જે કરવું હોય તે કરવાનું જ ? આ સહિતના અનેક શબ્દબાણ છૂટવાનું શરૂ થઈ જતાં મામલો ઉગ્ર બનવાની તૈયારી હતી ત્યાં જ નેતાઓએ દરમિયાનગીરી બન્નેને છૂટા પાડ્યા હતા. આ અંગેનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ જતાં ચર્ચાની એરણે ચડી ગયો છે.
- Advertisement -
વિજય રૂપાણી આવતાં ત્યારે ભાજપ નેતાઓ ‘આવકારવા’ માટે ખૂટતાં નહોતા, હવે ગણ્યાગાંઠ્યા જ મળ્યા જોવા !
મુખ્યમંત્રી તરીકે પાંચ વર્ષ સુધી ગુજરાતની શાસનધૂરા સંભાળનાર પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જ્યારે પોતાના વતન રાજકોટ આવતાં ત્યારે તેમને ‘વેલકમ’ કરવા માટે શહેર-જિલ્લાના નેતાઓ ખૂટતાં નહોતા અને રૂપાણી જેવા આવે કે તેમને ગુલદસ્તો આપીને વધાવવા માટે નેતાઓ-કાર્યકરોની લાઈન લાગી જતી હતી. જો કે હવે આ સિલસિલાનો અંત આવી ગયો હોય તેવી રીતે ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ આવ્યા ત્યારે મેયર પ્રદીપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી ઉપરાંત ધારાસભ્યો, સાંસદો મળીને ગણ્યાગાંઠ્યા નેતાઓ જ તેમને આવકારવા માટે ઉભેલા જોવા મળ્યા હતા.
ચેતન રામાણીનો સ્વભાવ જ એવો છે, હું કોઈને ફરિયાદ નહીં કરું: કુંડારિયા
- Advertisement -



