પડોશમાં પણ દુ:ખની લાગણી: મહિલાઓ રડી પડી
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
અમદાવાથી લંડન જતી ફ્લાઇટ ગઈકાલે ક્રેશ થતા 250થી વધુ લોકોના મૃત્યુના સમાચાર મળી રહ્યા છે. ત્યારે વેરાવળના રાજેશભાઈ જીમુલિયા અને ભાવનાબેન જીમુલિયા નામના દંપતીનું પણ આ દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. જેને પગલે મીડિયાની ટીમ ત્યાં પહોંચતા પડોશીઓ પણ આઘાતમાં જોવા મળ્યા હતા. જાણે એક સ્વજન ગુમાવ્યા હોય તેવો માહોલ જોવા મળ્યો. તેઓ લંડમાં રહેતી દીકરીના શ્રીમંત પ્રસંગે જઈ રહ્યા હતા.
- Advertisement -
ભાવનાબેનના પાડોશમાં રહેતા બિંદુબેન જોશીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, અમે બહેનોની જેમ પાડોશમાં રહેતા હતા અને કીટી પાર્ટી પણ અવારનવાર સાથે કરતા હતા. ભાવનાબેન અને તેમના પતિ રાજેશભાઈ દીકરીના બેબી શાવર પ્રસંગે લંડન જઈ રહ્યા હતા. આ દરમિયાન બનાવ બન્યો અને અમને સમાચાર મળતા ખૂબ દુ:ખ થઈ રહ્યું છે. આ સિવાય ગત અઠવાડિયે જ ભાવનાબેનનો જન્મદિવસ હતો. ત્યારે તેમના દીકરીનો લંડનથી કોલ આવ્યો હતો અને તેમની માતા માટે કેક લઈ જવા જણાવ્યું ત્યારે અમે સાથે મળીને તેમના જન્મદિવસની પણ ઉજવણી કરી હતી. મારા મકાનનું કામ ચાલી રહ્યું છે તો તેમણે એમ પણ કહ્યું હતું કે હું હવે 3 મહિના પછી આવીશ અને તારા નવા મકાનમાં આવીશ. આ દરમિયાન આ દુર્ઘટનાના સમાચાર મળતા ખૂબ દુ:ખની લાગણી થઈ રહી છે.



