જૂનાગઢ જિલ્લામાં મીની આંધી સાથે 1થી 4 ઇંચ કમોસમી વરસાદ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
હવામાન વિભાગની આગાહી પગલે બપોર બાદ જૂનાગઢ જિલ્લામાં મીની આંધી સાથે 1 થી 4 ઇંચ જેટલો વરસાદ પડતા બાગાયત પાકોમાં નુકશાની જોવા મળી છે. ભારે પવન સાથે વરસાદ ત્રાટકતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. હજુ આજે પણ સવારથી બફારા સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
- Advertisement -
જિલ્લામાં ગત રોજ બપોર બાદ મીની આંધી સાથે વરસાદની તોફાની બેટિંગ જોવા મળી હતી જેમાં જૂનાગઢ અડધા કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો જયારે ગિરનાર પર્વત 4 ઇંચ જેટલો વરસાદ પડતા સીડી પરથી પાણીના ધોધ જોવા મળ્યા હતા. જયારે શહેરમાં દોઢ ઇંચ વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેમજ જિલ્લાના વંથલીમાં 2 ઇંચ, ભેસાણમાં 2 ઇંચ, માણાવદર, કેશોદ, વિસાવદર, માળીયા હાટીના, માંગરોળ અને મેંદરડામાં અડધાથી 1 ઇંચ વરસાદ ભારે પવન સાથે વરસતા જિલ્લામાં કેસર કેરી, ચીકુ અને રાવણ સહીત બાગાયત ફળો ખરી પાડવાની સાથે ખેડૂતોને નુકશાની વેઠવી પડી છે. જયારે મીની આંધી સાથે વરસાદ પડવાને લીધે બાગાયત પાકમાં જીવાત પાડવાની સંભાવના છે. ત્યારે વર્ષમાં એકવાર આવતી કેસર કેરીને વધુ નુકશાની જોવા મળી હતી. આમ કમોસમી માવઠાનો માર ખેડૂતોને સહન કરવાનો વારો આવ્યો છે.



