ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા રૂ. 2 કરોડના વેરાની બાકી રકમ માટે 1 હજાર બાકીદારને નોટિસ ફટકારવામાં આવી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.21
ધ્રાંગધ્રા નગરપાલિકામાં લાબા સમયથી વિવિધ વેરાના બાકીદારો પાસેથી રૂ. 2 કરોડ લેવા માટે 1 હજાર બાકીદારો પૈસા ભરવા માટે ઠાગાઠૈયા કરતા હતા. ત્યારે નગર પાલિકાના જનરલ બોર્ડમાં ઠરાવ કરી ટેક્સ નહીં ભરનારને આવક, જન્મ મરણ અને વિવિધ યોજના માટેના દાખલા નહીં આપવાનો ઠરાવ કરી બાકી ઉઘરાણી માટે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ધ્રાંગધ્રા નગર પાલિકાને લાબા સમયથી 2 હજારથી વધુ શહેરીજનો પાસેથી પાણી, લાઈટ સહિતના વેરાના 2 કરોડથી વધુ રૂપિયા બાકી છે. નગર પાલિકા દ્વારા વેરા વસૂલાત કરવા માટે કામગીરી કરવા છતાં બાકી ટેક્સ નહીં ભરતા નગર પાલિકા દ્વારા બાકીદારો સામે કડક કામગીરી શરૂ કરી છે. જેમાં 1 હજારને નોટિસ આપી પૈસા નહીં ભરો તો કનેક્શન કાપી નાખવામાં આવશે તેમ જણાવી નગર પાલિકાના જનરલ બોર્ડમાં ઠરાવ કરીને વેરાની બાકી રકમ 50 ટકાથી વધુ હશે અને ભરપાઈ નહીં કરનારને આવકના દાખલા, જન્મ મરણ દાખલા અને સરકારી યોજના માટેના દાખલા વેરો ભર્યાની પહોંચયા બતાવ્યા બાદ આપવામાં આવશે. તેમ સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો.
નગર પાલિકા ચીફ ઓફીસર મન્ટીલભાઈ પટેલે જણાવ્યું કે બાકીદારોએ ટેક્સ ભર્યાની પહોંચ રજૂ કરશે તો જ દાખલા આપવામાં આવશે. જરૂર જણાશે બાકીદારોના એકમ સીલ કરી નળ કનેક્શન કાપવાની પણ કામગીરી કરાશે.
નગર પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે શહેરના વિકાસ અને શહેરીજનો સારી સુવિધા અને જિલ્લામાં એકમાત્ર ધ્રાંગધ્રામાં રોજેરોજ પાણી વિતરણ કરવામાં આવે છે ત્યારે સારી સુવિધા મેળવવા માટે ટેક્સ ભરવામાં આવે તો જ તે પૈસાથી વિકાસની કામગીરી કરી શકાય. સૌના સહકાર દ્વારા શહેરનો વિકાસ કરીએ, સ્વેચ્છાએ બાકી વેરો ભરપાઈ કરવા વિનંતી છે.



