અમુક ઘરોમાં અન્ય જ્ઞાતિના લોકોનો સમાવેશ થતાં રહેવાસીઓમાં ભય: પોલિસ કમિશનરને રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર (અઘાટ) અને પ્રકાશ સોસાયટી આ બંને સોસાયટીઓ બાજુમાં આવેલી છે અને આ બંને સોસાયટીમાં અશાંત ધારાના કાયદા હેઠળ સમાવિષ્ટ કરવાની માંગ રહેવાસીઓ દ્વારા રાજકોટ શહેર પોલીસ કમિશનરને કરવામાં આવી છે. આ વિસ્તાર અશાંત ધારામાં ન આવતો હોવાથી અહીં અનેક જ્ઞાતિના લોકો ઈન્કવાયરી માટે આવે છે જેના કારણે ન્યુસન્સ પણ ફેલાઈ શકે છે ત્યારે આ અંગે ત્વરીત પગલાં લેવા માંગ કરવામાં આવી છે.
રજૂઆતમાં રહેવાસીઓએ જણાવ્યું કે સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર (અઘાટ) પ્રાઈવેટ સોસાયટી શેરી નંબર-4માં રહીએ છીએ, અમારી આજુબાજુમાં શેરી નંબર 2 તથા 5 નંબર પણ સમાવેશ થાય છે, જેમાં થોડા ઘણા મકાનો સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર પ્રાઈવેટ (અઘાટ) તરીકે ઓળખાય છે અને અમુક મકાનો પ્રકાશ સોસાયટીના અઘાટ એરિયામાં આવે છે. અમારા બધાના દસ્તાવેજ મુજબ અમારા એરિયાનો સર્વે નંબર 91 તેમજ ટી.પી. સ્કીમ રૈયા-1 દર્શાવેલ છે અને એફ.પી. નંબર 310 છે.
વધુમાં જણાવ્યું હતું કે અમારી શેરી નંબર 3, 4 તેમજ 5ને આપના માધ્યમથી અમો બધાને અશાંત ધારાના કાયદા હેઠળ સમાવેશ કરવા માટેની આ અરજી કરી રહ્યા છીએ. કારણ કે અમારી આજુબાજુમાં આવેલી પ્રકાશ સોસાયટી તેમજ સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર બંને સોસાયટી અશાંત ધારાની અંદર સમાવેશ થયેલો છે જેથી એ એરિયાની ડેમોગ્રાફી તથા સુખ સમૃદ્ધિ જળવાઈ છે.
ફકત અમારા થોડા ઘણા મકાનો માટે જે સર્વે નંબર 91 લાગુ પડે છે એ અશાંત ધારામાં ન આવતો હોવાથી અમારી આસપાસ થોડા સમયમાં 1-2 મકાનો બાહ્ય કોમ્યુનિટીમાં વેચાઈ ગયા છે જેમાં હવે કંઈ થઈ શકે તેમ ન હોઈ પણ હજી સુધી બીજા બધા લોકોને જાણ થાય કે આ થોડો વિસ્તાર અશાંતધારામાં ન આવતો હોઈ તો બીજા લોકોની પણ ઈન્કવાયરી થઈ રહી હોવાથી રહીશોને એવો ભય સતાવી રહ્યો છે કે કાલ સવારે આ એરિયા બીજા જ્ઞાતિના લોકોની વસ્તી વધતી જશે તો આસપાસના એરિયાને પણ એટલું જ ખરાબ પરિસ્થિતિનો સામનો કરી શકવો પડે છે જેથી કોઈ નિવેડો આવી શકે એવી અમારા બધા રહેવાસીઓએ અપીલ કરી છે.