ખાસ-ખબર ન્યૂઝ નોર્થ મેસેડોનિયા, તા.17
યુરોપિયન દેશ નોર્થ મેસેડોનિયામાં શનિવારે મોડી રાત્રે એક નાઇટ-ક્લબમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 51 લોકોના મોત થયા છે અને લગભગ 118 લોકો ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ દુર્ઘટના કોકાની શહેરમાં આયોજિત હિપ હોપ મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન થઈ હતી.
કોચાની શહેર રાજધાની સ્કોપજેથી લગભગ 100 કિલોમીટર દૂર આવેલું છે. 30,000ની વસતિ ધરાવતા આ શહેરના એક નાઈટક્લબમાં આગ લાગી હતી જ્યારે પ્રખ્યાત હિપ-હોપ જોડી અઉગનો મ્યુઝિક કોન્સર્ટ ચાલી રહ્યો હતો. આ કોન્સર્ટ માટે ક્લબમાં 1500 લોકો ભેગા થયા હતા. એવું માનવામાં આવે છે કે કોન્સર્ટ દરમિયાન કોઈએ ક્લબની અંદર ફટાકડા ફોડ્યા હતા, જેના કારણે આગ લાગી હતી. આગ લાગ્યા બાદ અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી અને ભાગદોડમાં કેટલાક લોકો કચડાઈ ગયા હતા. વડાપ્રધાન હ્રીસ્ટીજન મિકોવસ્કીએ ડ પર લખ્યું- ઉત્તર મેસેડોનિયા માટે આ એક મુશ્ર્કેલ અને ખૂબ જ દુ:ખદ દિવસ છે. આટલા બધા યુવાનોના દુ:ખદ મૃત્યુની ભરપાઈ ક્યારેય થઈ શકે તેમ નથી. સરકાર આ મુશ્ર્કેલ સમયમાં પીડિતોના દુ:ખને ઘટાડવા માટે તમામ શક્ય પ્રયાસો કરશે.
- Advertisement -
અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલોને રાજધાની સ્કોપજે સહિત દેશભરની વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આમાં અનેક સ્વૈચ્છિક સંસ્થાઓની મદદ પણ લેવામાં આવી રહી છે. આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ વિગતો આપવામાં આવી નથી. દક્ષિણપૂર્વ યુરોપમાં સ્થિત નોર્થ મેસેડોનિયાની વસતિ 20 લાખથી ઓછી છે. આ દેશ અલ્બેનિયા, બલ્ગેરિયા, ગ્રીસ, કોસોવો અને સર્બિયા સાથે તેની સરહદો વહેંચે છે. તે એક ભૂમિગત દેશ છે, એટલે કે તે ચારે બાજુથી જમીનથી ઘેરાયેલો છે. નોર્થ મેસેડોનિયા અગાઉ યુગોસ્લાવિયાનો ભાગ હતો. તે 1991માં એક સ્વતંત્ર દેશ બન્યો. તે 1993માં યુએનનું સભ્ય બન્યું.