39મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ કાલે યોજાશે
વ્હેલી સવારે 7ના ટકોરે ગેટ સેટ ગો સાથે સ્પર્ધાનો રોમાંચક પ્રારંભ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.4
જૂનાગઢ ગિરનાર પર્વત દેશમાં એક માત્ર એવો પહાડ છે કે, જ્યાં 9999 પગથિયા આવેલા છે.ત્યારે ગિરનાર પર્વત પર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજી શકાય છે.આ સ્પર્ધા સાહસની સાથે જોમ અને જુસ્સા સાથે રોમાંચક બની રહે છે. જેમાં ભાઈઓ અંબાજી મંદિરથી એક કલાકમાં ઝડપભેર ગિરનારને સર કરીને ફરી નીચે તળેટી સુધી આવી જતા હોઈ છે તેમાં પણ સેન્કડના સમયે ભાગ લેનાર સ્પર્ધક વિજેતા થતા હોઈ છે.જેમાં ભાઈઓ માટે અંબાજી મંદિર સુધીના સાડા પાંચ હજાર પગથિયાં ચડીને ફરી નીચે આવવાનું હોઈ છે.જયારે બેહનો માટે માળીપરબ સુધી 2200 પગથિયા સુધીની સ્પર્ધા યોજાય છે.
39મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા તા.5મી જાન્યુઆરીના રોજ યોજાશે. જેમાં રાજયભરમાંથી 1207 જેટલા સ્પર્ધકો ગરવા ગિરનારને સર કરવા માટે દોટ મૂકશે.ગુજરાત રાજ્યના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર ઉપક્રમે જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢ સંચાલિત રાજ્યકક્ષા ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ગુજરાતભરમાંથી 4 વય ગ્રુપમાંથી કુલ 1207 સ્પર્ધકો પસંદગી પામેલ છે. આ સ્પર્ધા ચાર કેટરગરીમાં ગૃપ પ્રમાણે સિનિયર ભાઈઓ 558, જુનિયર ભાઈઓ 366, સિનિયર બહેનો 149, જુનિયર બહેનો 134 સ્પર્ધકો ભાગ લેશે. આ 4 વિભાગના પ્રથમ 10 વિજેતા સ્પર્ધકોને કુલ રૂ. 840000ના ઇનામો, ટ્રોફી, પ્રમાણપત્રો આપવામાં આવશે.
ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા કાલે સવારે 7 વાગ્યાના ટકોરે ફ્લેગ ઓફ આપીને શરુ થશે.જયારે ભાઈઓની સ્પર્ધા પૂર્ણ થયા બાદ બેહનો માટેની સ્પર્ધા શરુ થશે આ સ્પર્ધા માટે ખાસ કોમ્પ્યુટરમાં સેક્ધડના હિસાબે અલગ અલગ ચેસ્ટ નંબર પ્રમાણે ક્યાં સ્પર્ધકે કેટલા સમયમાં સ્પર્ધા પૂર્ણ કરી તે પ્રમાણે તેને વિજેતા જાહેર કરવામાં આવે છે. સ્પર્ધા પૂર્ણ થયા બાદ બપોરે 12 વાગ્યે તળેટીમાં આવેલ મંગલનાથ બાપુની જગ્યા ખાતે વિજેતા થયેલ સ્પર્ધકોને મેડલ, ટ્રોફી અને રોકડ પુરસ્કાર સાથે પ્રમાણ પત્રો મહાનુભાવોના હસ્તે આપવામાં આવશે.
- Advertisement -
ગિરનાર સ્પર્ધા 1971માં શરૂ કરાઇ હતી
1971થી ફુલછાબ દૈનિક દ્વારા આ સ્પર્ધા શરૂ કરાઇ હતી ત્યાર બાદ 1996થી ગુજરાત સરકારના રમત-ગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આ સ્પર્ધા યોજવામાં આવે છે. જયારે આ સ્પર્ધાને રાષ્ટ્રીય ફલકપર લઇ જવા માટે 2008માં ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા રાષ્ટ્રીય લેવલે શરૂ કરવામાં આવી હતી. તેમજ વર્ષ 2014-15માં સ્પર્ધાને સીંગલ માઉન્ટેન એસેન્ટ ઇવેન્ટ નામથી યોજવામાં આવેલ હતી જે ઇવેન્ટ વર્લ્ડ અમેઝીંગ રેકોર્ડ, લિમ્બા બુક ઓફ રેકોર્ડ અને ગીનીઝ બુક ઓફ રેકર્ડની સન્માનીત કરવામાં આવેલ. જેમાં એક સાથે 2122 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
ગિરનાર સ્પર્ધામાં સ્પર્ધકો સહિત 1500ને સીપીઆર તાલીમ અપાઇ
ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા ફુલ ગુલાબી ઠંડીમાં આવતીકાલે સવારે યોજાવાની છે ત્યારે રાજ્યભરના 1207 સ્પર્ધકો ગિરનાર સર કરવા દોટ મુકશે ત્યારે શ્ર્વાસ અને હૃદયરોગના બનાવોને ઘ્યાને રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકો માટે ખાસ આરોગ્યલક્ષી બાબતનું ઘ્યાન રાખીને એમ્બ્યુલન્સ સેવા સાથે ગિરનાર પર આરોગ્યની ટુકડીઓ જરૂરી દવા સાથે તૈનાત રહેશે. તેમજ નીચે પણ તબીબો સાથે આરોગ્ય સ્ટાફ ખડે પગે રહેશે. જેમાં સ્પર્ધામાં સંકળાયેલા તમામ કર્મચારીઓથી લઇને 1500 જેટલા સભ્યોને સીપીઆર તાલીમ આપવામાં આવી છે.



