રાજકોટ ખાતે યોજાયો “નારી ગૌરવ દિવસ”: મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અન્વયે ૪૦ જૂથોને ૪૦ લાખ રૂપિયાની લોનનું વિતરણ : મુખ્યમંત્રી ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ
રાજકોટ : રાજકોટ ખાતે યોજાયેલા “નારી ગૌરવ દિવસ”ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની મહિલાઓને સોંપેલો રૂપિયો સારા કાર્યોમા જ વપરાશે, એવો રાજ્ય સરકારને દ્રઢ વિશ્વાસ છે. માટે જ રાજ્ય સરકારે રાજ્યની મહિલાઓ માટે રૂપિયા ૫૧ કરોડ ૬૬ લાખ ૮૮ હજારની ફાળવણી ” મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના” અન્વયે કરી છે.

- Advertisement -
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની રાહબરી હેઠળ રાજ્ય સરકારે પૂર્ણ કરેલ પાંચ વર્ષ પૂર્ણ થયાના અવસરે શરૂ કરેલ સેવાયજ્ઞ નિમિત્તે રાજકોટ મહાનગર પાલિકા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મંત્રી સૌરભભાઇ પટેલે રાજ્ય સરકારે વીજ ક્ષેત્રે આદરેલા વિકાસ કાર્યોની આંકડાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય સરકારે ૬૩,૦૦૦ કૃષિ વીજ કનેક્શન્સ રાજ્યના ખેડૂતોને આપ્યા છે, જે માટે રાજ્ય સરકારને રૂપિયા ૧૮ કરોડનો ખર્ચ થયો છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય સરકારે રાજ્યના ખેડૂતોને રૂપિયા ૩૦ હજાર કરોડની સબસિડી આપી છે. અત્યાર સુધી રાજ્ય સરકારે પાંચ હજાર ગામડાઓને દિવસે વીજળી પૂરી પાડી છે અને ૩૫ કરોડના ખર્ચે આવનારા બે વર્ષમાં ૧૮,૦૦૦ ગામડાંને દિવસે વીજળી પૂરી પાડવાની રાજ્ય સરકારની નેમ છે. જૂન-૨૧ સુધીમાં એક હજાર મેગાવોટ વીજળી રાજ્યના ૨ લાખ ૬૬ હજાર લોકોએ પોતાની અગાસી પરથી ઉત્પાદિત કરી છે જે માટે રાજ્ય સરકારે રૂપિયા ૧૬૪૦ કરોડ રૂપિયાની સબસિડી આપી છે. આગામી દિવસોમાં રાજકોટ શહેરમાં દસ વીજ સબ સ્ટેશન સ્થાપવાની મંજૂરી રાજ્યના ઉર્જા વિભાગે આપી છે. કચ્છમાં સ્થપાયેલા સોલર રિન્યુએબલ એનર્જી પાર્કમાં વર્ષ ૨૦૩૦ સુધીમાં ૩૦ હજાર મેગાવોટ વીજળી પેદા કરનારૂં ગુજરાત વિશ્વનું પ્રથમ રાજ્ય બનશે.

કોરોનાની બીજી લહેર દરમિયાન રાજ્યના નાગરિકોને રાજ્ય સરકારે ૧૩૦૦ મેટ્રિક ટન ઓક્સિજન પૂરો પાડ્યો છે. સુધી અને સમગ્ર રાજ્યમાં નિ:શુલ્ક રસીકરણ અભિયાન શરૂ કર્યું છે. તેમ પણ ઉર્જા મંત્રી એ જણાવ્યું હતુ.
- Advertisement -
વડોદરા ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમ મારફતે રાજ્યભરમાં યોજાયેલા ૧૦૮ કાર્યક્રમોમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વર્ચ્યુઅલી જોડાયા હતા.

મંત્રી સૌરભભાઇ પટેલ તથા આમંત્રિતોના હસ્તે રાજકોટ શહેરના ૨૦ જૂથો અને રાજકોટ ગ્રામ્યના પડધરી અને લોધીકા સહિતના અન્ય વિશે ૨૦ જૂથો મળી કુલ ૪૦ જૂથોના ૪૦૦ વ્યક્તિઓને આ કાર્યક્રમમાં ૪૦ લાખ રૂપિયાનું ધિરાણ આપવામાં આવ્યું હતું. આ જૂથોને “મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના” અંતર્ગત જોઈન્ટ લાયેબિલીટી અર્નિંગ એન્ડ સેવિંગ ગ્રુપ તરીકે નિયત બેન્કો દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે.

મેયર ડો. પ્રદીપ ડવ એ આ પ્રસંગે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવાયેલી આ યોજનાએ રાજ્યની મહિલાઓ ખરા અર્થમાં આર્થિક રીતે સ્વાવલંબી બનાવી છે. મહિલાઓ જ્યારે તમામ ક્ષેત્રમાં અગ્રસ્થાને બિરાજે છે, તેમ જણાવી તેમણે આ યોજનાનો લાભ લઈને મહિલાઓને વધુ ને વધુ પ્રગતિ હાંસલ કરવા ઉપસ્થિત મહિલાઓને અનુરોધ કર્યો હતો.
મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરાએ પ્રાસંગિક પ્રવચનમાં “મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના”ની વિગતો રજૂ કરી હતી.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું. મંત્રી સૌરભભાઈ તથા આમંત્રિતોએ દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું.
આ કાર્યક્રમમાં કલેકટર અરુણ મહેશ બાબુ, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવી, અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, કમલેશભાઈ મીરાણી, રાજુભાઈ ધ્રુવ, ઉદયભાઇ કાનગડ તથા કલ્પક મણિયાર, વિવિધ સમિતિઓના સભ્યો, કોર્પોરેટરો તથા સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.



