બિલ્ડિંગનો હનુમાનજીના ખોળા જેવો આકાર
મને જ્યારે કષ્ટ પડ્યું ત્યારે દાદાને યાદ કર્યા હતા: શાહ
ખાસ-ખબર ન્યૂઝ સાળંગપુર
- Advertisement -
બોટાદ જિલ્લાના સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં ગુજરાતનું સૌથી મોટું 1100 રૂમનું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન તૈયાર થઇ ગયું છે. આજે (31 ઓક્ટોબર, 2024) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લક્ઝુરિયસ હોટેલને ટક્કર આપે એવા યાત્રિક ભવનનું લોકાર્પણ કર્યું છે. તેમજ અમિત શાહ મારૂતિ યજ્ઞમાં પણ સહભાગી થશે. સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે યોજાયેલ સભામાં મોટી સંખ્યામાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે વડતાલ ગાદીના આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજે અમિત શાહને વડતાલ ખાતે યોજાનાર દ્વિ શતાબ્દી મહોત્સવનું આમંત્રણ આપ્યું હતું. સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે મોટી સંખ્યામાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો તેમજ પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલ સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યાં હતા. સાળંગપુરમાં અમિત શાહે કષ્ટભંજન દેવની જય બોલાવી પ્રવચન શરૂ કર્યું હતું. આ સાથે તેઓએ સંતોના ચરણોમાં વંદન કરી તમામ ભક્તોને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી. દિવાળી અને રૂપ ચૌદશના દિવસે દાદાના દર્શન કરવાનો મોકો મળ્યો તે બદલ સંસ્થાનો હૃદયપૂર્વક આભાર માનું છું. કરોડો લોકોને કષ્ટ પડે ત્યારે તે અહીં આવે છે અને મને પણ જ્યારે કષ્ટ પડ્યું ત્યારે દાદાને યાદ કર્યા હતા.