ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢમાં ઝાંઝરડા ગામમાં આવેલી સોરઠ પબ્લિક સ્કૂલ દ્વારા ટીપી રિઝર્વેશન પ્લોટમાં ગેરકાયદે બાંધકામ કરીને દબાણ કરતા મનપાએ રર કરોડની નોટીસ ફટકારતા ચકચાર મચી જવા પામી છે. જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં ઝાંઝરડા ગામમાં સર્વે નં.87 પૈકીની જમીનનું બિનખેતી થતા મહાપાલિકા જૂનાગઢને ટી.પી.રિઝર્વેશન પ્લોટ તથા જાહેર રસ્તો સર્વેનં.87 પૈકીમાં મળેલ છે. સ્થળ પર ચકાસણી કરતા કચેરીની પૂર્વ મંજૂરી વગર સુચિત ટી.પી.રિઝર્વેશન પ્લોટમાં સોરઠ પબ્લિક સ્કૂલ દ્વારા બાંધકામકરી દબાણ કરવામાં આવેલ હોવાનું સામે આવ્યુ છે.
આ દબાણ અન્વયે મનપા બજેટ જોગવાઇ આધીન ભાડુ વસુલવા પ્રતિ દિનના રૂા.3,40,236 લેખે તા.1 એપ્રિલ 2023થી તા.20 ઓકટોબર 2024 સુધીના કુલ રૂા.19,30,83,930 તથા જી.એસ.ટી. આ.3,47,55,108 ભરપાઇ કરવા માટે અન્યથા મુદત પૂર્ણ થયે ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એકટ તળે નિયમ અનુસારની આગળની કાર્યવાહી હાથ ધરી મનપા દ્વારા આ ગેરકાયદેસર દબાણ દૂર કરી જેનો તમામ ખર્ચ સોરઠ પબ્લિક સ્કુલ પાસેથી વસુલવા મ્યુ.કમિશનર ડો.ઓમ પ્રકાશે આદેશ કર્યા છે. આસી. કમિશનર (ટેકસ) કે.જી.ટોલીયા દ્વારા સોરઠ પબ્લિક સ્કૂલને નોટીસ પાઠવવામાં આવેલ છે. મનપાની આ તપાસમાં સ્કૂલ દ્વારા છેલ્લા દોઢેક વર્ષથી દબાણ કર્યુ હોવાનું સામે આવતા આ સમયગાળાને બજેટની જોગવાઇ અનુસાર ભાડુ વસુલા માટે મહાપાલિકાએ જીએસટી સહિતનો દંડ કરીને તે રકમ વસુલ કરવા માટે નોટિસ ફટકારી છે. અગામી દિવસોમાં પણ શહેરી વિસ્તારોમાં મનપાની માલિકાની જમીન ઉપર દબાણ કરતા તમામ આસામીઓ સામે કડક કાર્યવાહીના આદેશ કરવામાં આવ્યા છે.



