રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશમાં બુલડોઝર કાર્યવાહી મુદ્દે સુનાવણી સમયે સ્પષ્ટ નિર્દેશ : જોકે અપરાધી કે દોષીની મિલ્કત પર બુલડોઝર ચલાવવા મુદ્દે સ્ટે યથાવત : સુનાવણી સમયે સ્પષ્ટતા
જાહેર રસ્તા, ફૂટપાથ, જળાશય, રેલ્વે લાઇનના ક્ષેત્રમાં ગેરકાનુની દબાણ હોય તો તે હટાવવું પડશે : રસ્તા વચ્ચેના ધાર્મિક સ્ટ્રકચર પણ દુર કરવા પડશે : કોઇ ભેદભાવ ચાલશે નહીં : લોકોની સુરક્ષા મહત્વની
બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે એ સ્પષ્ટ કરી દીધું છે કે લોકોની સુરક્ષા સર્વોપરી છે. મંદિર હોય કે દરગાહ ગેરકાયદેસર બાંધકામને હટાવવું જ પડશે. ગુનાના આરોપીઓ સામે બુલડોઝર એક્શન વિરુદ્ધ કોર્ટ આજે અરજીઓ પર સુનાવણી કરી રહી હતી. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથને સુનાવણી કરી હતી.
- Advertisement -
ભારત બિનસાંપ્રદાયિક દેશ છે બુલડોઝર એક્શન અંગેનો આદેશ તમામ નાગરિકો માટે રહેશે
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે. અમે તમામ નાગરિકો માટે ગાઈડલાઈન જારી કરીશુ. ગેરકાયદેસર બાંધકામ હિન્દુ, મુસ્લિમ કોઈ પણ કરી શકે છે. અમારો આદેશ તમામ માટે છે. પછી ભલે તે કોઈ પણ ધર્મ કે સમુદાયના હોય. અતિક્રમણ માટે અમે કહ્યું છે કે જો તે જાહેર રસ્તા, ફૂટપાથ, જળાશય કે રેલવે લાઈન ક્ષેત્રમાં હશે તો તેને હટાવવું જ પડશે. જો રસ્તાની વચ્ચે કોઈ ધાર્મિક સ્ટ્રક્ચર હશે તો તેને હટાવવું જ પડશે, પછી ભલે તે ગુરુદ્વારા હોય, દરગાહ હોય કે મંદિર હોય..
ખંડપીઠે 17 સપ્ટેમ્બરના રોજ કહ્યું હતું કે અમારી મંજૂરી વિના આરોપીઓ અને અન્ય લોકોની મિલકતો 1 ઓક્ટોબર સુધી તોડવામાં આવશે નહીં. ખંડપીઠે કહ્યું હતું કે જો ગેરકાયદેસર ડિમોલિશનનો એક પણ કેસ છે તો તે આપણા બંધારણના મૂલ્યોની વિરુદ્ધ છે.
- Advertisement -
કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે અમારો આદેશ જાહેર સ્થળો જેમ કે રસ્તાઓ, ફૂટપાથ, રેલવે લાઈન અથવા જળાશયો પર બાંધવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામો પર લાગુ નહીં થશે અને એ મામલા પર પણ લાગુ નહીં થશે જેમાં કોર્ટ દ્વારા તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો છે.
સોમનાથ ડિમોલિશન વિવાદ સુપ્રીમમાં પણ પહોંચ્યો
હાલમાં જ સોમનાથ મંદિર આસપાસ સરકારી જમીન પર ખડકાયેલા ગેરકાનુની ધાર્મિક સ્થળો દુર કરવા જિલ્લા તંત્ર દ્વારા કરાયેલી કાર્યવાહીમાં એક તરફ હજુ ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી યથાવત છે તે સમયે સમસ્ત પટણી મુસ્લિમ જમાતે સોમનાથ જિલ્લા કલેકટર અને અન્ય અધિકારીઓ સામે કોર્ટની અવમાનનાની અરજી કરી છે. સોમનાથના ઇતિહાસમાં સૌથી મોટા ડિમોલીશનમાં સુપ્રીમ કોર્ટે હાલમાં જ જે રીતે બુલડોઝર સામે શરતી સ્ટે આપ્યો હતો તે સંદર્ભમાં આ અરજી કરાઇ છે અને સરકારે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કર્યુ નથી તેવી રીટ અરજીમાં જણાવાયું હતું.