ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગો પર ડ્રાઈવ યોજાઈ: સ્કૂલ રિક્ષાઓ તેમજ હેલ્મેટ ન પહેરનારાઓ અને ઓવરસ્પીડના કેસો નોંધાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.28
- Advertisement -
દિવસેને દિવસે વધતાં અકસ્માતોના બનાવોને રોકવા માટે રાજ્યના અનેક શહેરોમાં ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે ત્યારે રાજકોટમાં બનેલી ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ તંત્ર સફાળુ જાગ્યું છે. કોઈ અકસ્માતની ઘટનાઓ ન બને અને સુરક્ષા-કાયદો જળવાય રહે તે માટે સ્કૂલ રીક્ષા, હેલ્મેટની ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ દરમિયાન કાયદાનું પાલન ન કરનાર વાહનચાલકો વિરૂદ્ધ ગુનો નોંધી દંડની કાર્યવાહી પણ કરવામાં આવી હતી.
આજરોજ પોલીસ કમિશનર બ્રિજેશ ઝાની સૂચનાથી એડિશનલ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયાના માર્ગદર્શન હેઠળ ડીસીપી ટ્રાફિક પુજા યાદવે આજે સવારે સ્કૂલ રીક્ષાની તથા પીયુસીની ડ્રાઈવ રાખી હતી. જેમાં 1 સ્કૂલ રીક્ષા ડિટેઈન કરવામાં આવી અને 12 સ્કૂલ રીક્ષાઓને 6000 રૂપિયા દંડ કરવામાં આવ્યો તથા પીયુસીના 49 કેસો કરી રૂા. 24500 દંડ કરવામાં આવ્યો હતો. હેલમેટની ડ્રાઈવમાં પો.ઈ. રજીયા, વસાવા તથા પો.સ.ઈ. પરમાર તથા રાણા, ચારણ વગેરેએ મળી 307 કેસો કરી રૂા. 1,23,500 દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આ સિવાય 83 ઓવરસ્પીડના કેસો કરી રૂા. 1,66,000 રકમના ઈ-ચલણ ઇન્ટરસેપ્ટરની ટીમે આપ્યા હતા.