-: મુખ્યમંત્રીશ્રીએ egazette.gujarat.gov.inનું ગાંધીનગરમાં લોન્ચિંગ કર્યુ :-
વર્ષોથી ચાલી આવેલી ગેઝેટ મુદ્રણ-છાપકામની પરંપરાગત પ્રક્રિયાનો હવે અંત આવશે
- Advertisement -
-: વાર્ષિક સરેરાશ ૩પ મેટ્રિક ટન પેપરની બચત થશે :-
જૂના ગેઝેટ પણ એક માસમાં વેબસાઇટ પર અપલોડ કરવા વિભાગને મુખ્યમંત્રીશ્રીની સૂચના

- Advertisement -
હવે, રાજ્ય સરકારના તમામ સાધારણ અને અસાધારણ ગેઝેટ ડિઝીટલ- ઇ ગેઝેટ સ્વરૂપે વેબસાઇટ પર ઓનલાઇન ઉપલબ્ધ થશે.પેપર લેસ ગર્વનન્સ ઇ-ગર્વનન્સની દિશામાં ગુજરાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના દિશાદર્શનમાં એક મહત્વપૂર્ણ કદમ ભર્યુ છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ માટેની વેબસાઇટ egazette.gujarat.gov.inનું ગાંધીનગરમાં મંત્રી જયેશભાઇ રાદડીયાની ઉપસ્થિતીમાં લોન્ચિંગ કર્યુ હતું.


વર્ષોથી ચાલી આવેલી ગેઝેટના મુદ્રણ-પ્રિન્ટીંગની પરંપરાગત પ્રક્રિયાનો હવે આ ડિઝીટલ – ઓનલાઇન ગેઝેટ વેબસાઇટ પર ઉપલબ્ધ થવાથી અંત આવશે. આના પરિણામે વાર્ષિક સરેરાશ અંદાજે ૩પ મેટ્રિક ટન પેપરની પણ બચત થવાની છે. કોઇપણ વ્યક્તિ, સંસ્થા વેબસાઇટના માધ્યમથી ગેઝેટને વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકશે. એટલું જ નહિ, ઇ-ગેઝેટની આવી ડાઉન લોડેડ કોપીની અધિકૃતતા માટે QR કોડની પ્રથા અમલમાં મૂકવામાં આવી છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ હાલ વિભાગ પાસે ૩૦ વર્ષ જૂના જે ગેઝેટ ઉપલબ્ધ છે તે પણ એક મહિનામાં આ વેબસાઇટ ઉપર અપલોડ કરી દેવાની સૂચના આ વેળાએ આપી હતી. તદનુસાર જૂના ગેઝેટને પણ ક્રમશ: વેબસાઇટ ઉપર ઉપલબ્ધ કરાવવામાં આવશે જેથી તે પણ વેબસાઇટ પર સરળતાએ મળી રહેશે. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે ગેઝેટની વેબસાઇટ ઉપર તાત્કાલિક ઉપલબ્ધતાથી વહીવટમાં અસરકારકતા વધશે તેમજ ગેઝેટના મેન્યુઅલ રેકર્ડ નિભાવવામાંથી હવે મુક્તિ મળશે.

આના પરિણામે નાગરિકો, અરજદારો, સરકારી કચેરીઓને અગાઉ પ્રસિદ્ધ થઇ ગયેલા જૂના ગેઝેટની નકલો મેળવવામાં પડતી સમસ્યાનું નિવારણ થશે. રાજ્ય સરકારના તમામ વિભાગોના ગેઝેટ માટે ફકત એક જ–સેન્ટ્રલાઇઝડ વેબસાઇટ તરીકે તમામ માહિતી સરળતાએ લોકોને મળતી થશે.
આ વેબ સાઈટ લોન્ચિંગ અવસરે કુટીર ઉદ્યોગ સચિવ સંદીપકુમાર, જી.આઇ.એલ ના મેનેજિંગ ડિરેક્ટર ગુસિઆ, સરકારી પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી નિયામક રાઠોડ તેમજ વિભાગના નાયબ સચિવ વગેરે ઉપસ્થિત રહ્યા હતા


