પોલીસ કમિશનરનું જાહેરનામુઃ નિયમોનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરાશેઃ તમામ ૬ પોઇન્ટ્સ પર તરવૈયા, સ્પીડ બોટ અને રેસ્ક્યુ ટીમ તૈનાત
ગણેશોત્સવની પૂર્ણાહુતિના પાવન અવસરે રાજકોટ શહેરમાં આગામી ૨૫ સપ્ટેમ્બરના રોજ યોજાનારા ગણેશ વિસર્જન પર્વને શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં સંપન્ન કરાવવા માટે વહીવટી તંત્ર અને ફાયર બ્રિગેડ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. પોલીસ કમિશનરના સત્તાવાર જાહેરનામા મુજબ શહેરભરમાં કુલ ૬ સ્થળોએ જ પ્રતિમા વિસર્જન માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કોઈપણ અનિચ્છનીય ઘટના કે દુર્ઘટના ન સર્જાય તે માટે ફાયર વિભાગ દ્વારા દરેક પોઇન્ટ પર સુસજ્જ ટીમો તૈનાત કરવામાં આવી છે.
- Advertisement -
સુરક્ષા વ્યવસ્થા અંગે માહિતી આપતા ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું હતું કે, તમામ ૬ પોઇન્ટ્સ પર ફાયર વિભાગના ૨૦ થી ૨૫ જવાનોની વિશેષ ટુકડી રેસ્ક્યુ સાધનો અને લાઈફ જેકેટ સહિતની સુવિધાઓ સાથે ખડેપગે રહેશે. કોઈપણ ઈમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે તરવૈયાઓ અને ઝડપી બોટની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે.
તંત્ર દ્વારા ગણેશ મંડળો અને સામાન્ય જનતાને અપીલ કરવામાં આવી છે કે જાહેર સુરક્ષાને ધ્યાને રાખીને માત્ર નિર્ધારિત કરાયેલા ૬ સ્થળોએ જ શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવું. કુદરતી જળાશયોમાં જોખમી રીતે વિસર્જન ન કરવા તાકીદ કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ કે મંડળ પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરશે કે નિયત સ્થળ સિવાય અન્ય જગ્યાએ વિસર્જન કરવાનો પ્રયાસ કરશે, તો તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
- Advertisement -
- આજી ડેમ ઓવરફ્લો પાછળ: ખાણા નંબર ૧, ૨ અને ૩ (કુલ ૩ સ્થળો)
- જામનગર રોડ: ન્યારાના પાટિયા પાસે
- કાલાવડ રોડ: વગુદડ ગામના પાટિયા પાસે
- મવડી-પાળ રોડ: જખરાપીરની દરગાહ પાસે




