નેપાળી ગેંગનો મુખ્ય સૂત્રધાર મોટા એપાર્ટમેન્ટમાં ચોકીદારી અને રેસ્ટોરન્ટમાં વેઈટર તરીકે કામ કરી રેકી કરતો હતો
શહેર ક્રાઈમ બ્રાન્ચની પી. બી. જેબલિયાની ટીમને C.P.એ 15 હજાર રૂપિયાનું રોકડ ઈનામ આપ્યું
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં દિવસે ને દિવસે ચોરી અને લૂંટની ઘટનામાં વધારો થઈ રહ્યો છે જેથી શહેરની પોલીસે પેટ્રોલિંગ વધારી બાતમીદારોને એક્ટિવ કરી આવા લૂંટારાઓ અને ચોરોને અટકાવવા માટે ખાસ ઝુંબેશ ચલાવી છે જેમાં શહેર ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. વી. કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. પી. બી. જેબલિયાની ટીમે બાતમીના આધારે કાલાવડ રોડ પર આવેલ અસીમા એપાર્ટમેન્ટ ખાતેથી 4.63 લાખના નાના-મોટા 51 ઘરેણાં સાથે કુલ 6 નેપાળીને ઝડપી પાડી તેના વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે તેમજ આ નેપાળી ગેંગને ઝડપી પાડનાર શહેર ક્રાઈમ બ્રાન્ચની પી. બી. જેબલિયાની ટીમને રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે રૂા. 15 હજારનું રોકડ ઈનામ આપી સન્માન કર્યું હતું ઉપરાંત શહેર પોલીસે ફલેટ, એપાર્ટમેન્ટ, કોમર્શિયલ કોમ્પ્લેક્ષ, ધંધાકિય હેતુ વગેરે સહિતના સ્થળોએ નેપાળી તેમજ પરપ્રાંતિય લોકો કામ કરતા હોય છે તેની જાણ નજીકના પોલીસ સ્ટેશનને કરવાની રહેશે.

- Advertisement -
તાજેતરમાં એરપોર્ટ રોડ પર આવેલ વસુંધરા રેસીડેન્સીમાં રહેતાં રાજકોટ પૂર્વ અધિક કલેકટર પરિમલ પંડ્યાના ઘરે તેમજ રૈયા રોડ પર આવેલ વૈશાલીનગર શેરી નં. 5માં નિરવભાઈ લખતરીયાના ઘરે ચોરી થયાની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી જેના આધારે ગાંધીગ્રામ પોલીસ તેમજ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમ ચોરોને ઝડપી પાડવા માટે ટીમો બનાવી હતી જેમાં શહેર ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. વી. કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. પી. બી. જેબલિયાની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ જાડેજા, મૈસુરભાઈ કુંભારવાડીયા અને પ્રતાપસિંહ મોયાને બાતમી મળી હતી કે કાલાવાડ રોડ પર આવેલ સાંઝા ચૂલ્હા હોટલની બાજુમાં અસીમા એપાર્ટમેન્ટમાં રહેતા નેપાળીઓ આ બંને ચોરીમાં સંડોવાયેલા છે જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી સંજય ઉર્ફે બહાદુર અમરસીંગ પરિયાર, નમરાજ શરફલુતે ઢોલી, વિક્કીસીંગ લક્ષ્મણસીંગ ઓજે, અભિ મહાવીર પરિયાર, રોહન શરફલુતે ઢોલી અને મનોજ ખુશમ નાને પરિયારને ઝડપી પાડી તેની આગવી ઢબે પૂછપરછ કરતાં બહાર આવ્યું હતું કે નેપાળી ગેંગનો મુખ્ય સૂત્રદાર સંજય ઉર્ફે બહાદુર અમરસીંગ પરિયારે શહેરના અલગ-અલગ મોટા એપાર્ટમેન્ટમાં ચોકીદારી તથા રેસ્ટોરન્ટમાં વેઈટર તરીકે કામ કરેલું હોવાથી તે શહેરની ભૌગોલિક સ્થિતિથી વાકેફ હતો જેથી તે નેપાળમાં વસતા તેના સગા-સંબંધીઓને રાજકોટ નોકરીની લાલચે બોલાવી તે લોકોની ગેંગ બનાવી શહેરમાં બંધ મકાનોને ટાર્ગેટ કરી ચોરીને અંજામ આપતો હતો. જેથી પોલીસે આ છ નેપાળીઓને ચોરીના ગુનામાં ઝડપી પાડી તેના વિરૂદ્ધ ગુનો દાખલ કરી સોના-ચાંદીના નાના-મોટા કુલ 51 ઘરેણાં જેની કિંમત 4.63 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તેના વિરૂદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી છે.



