દસાડાથી ઓડુ વચ્ચે નર્મદાની લાઈનમાં 1 મહિનામાં 150થી વધુ પંક્ચર
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
પાટડીના ઓડું ગામે આકરા ઉનાળાના પ્રારંભે જ પાણીનો પોકાર જોવા મળી રહ્યો છે. 45 ડિગ્રીની આગ ઓકતી ગરમીમાં ગ્રામજનોના લલાટે વિરડા હોવાથી ઓડુની 5,000ની વસતી હિજરત કરવા મજબૂર બની છે. ઓડુમાં રોજનું 3.50 લાખ લીટર નર્મદાનું પાણી આપવાનો પરિપત્ર હોવા છતાં 25,000 લીટર પાણી પણ પહોંચતું નથી. દસાડાથી ઓડુ વચ્ચે 15 કિમીની નર્મદાની નબળી પાઈપલાઈનમાં 1 મહિનામાં 150થી વધુ પંક્ચર પડ્યા હોવાની ચોંકાવનારી હકીકત પણ સામે આવી છે.
- Advertisement -
પાટડી તાલુકાના ઓડું ગામમાં આકરા ઉનાળામાં જ પીવાના પાણીની સમસ્યા વિકટ બનતા ઓડું ગામની મહિલાઓને જીવના જોખમે તળાવમાં આવેલા 15 ફૂટ ઊંડા વિરડામાંથી પાણી લેવાની નોબત આવી છે. આ અંગે ઓડું ગામના યુવા સરપંચ ભગાભાઇએ જણાવ્યું કે, એકબાજુ અમારા ગામમાં નવો બોર મંજૂર થયાને દોઢ વર્ષ થવા છતાં આજદિન સુધી નવા બોરનું કામ ચાલુ કરાયું નથી. આ અંગે લોકફાળાની રકમ પણ તાજેતરમાં ભરી દેવાઈ છે. પણ હજી બોર માટેની રિંગ આવી નથી. દસાડાથી ઓડુ ગામ સુધી નર્મદાની પાઈપલાઈનમાં 1 મહિનામાં 150થી વધુ પંક્ચર પડ્યા હોવાનું સામે આવ્યું છે, છતાં પાણી પુરવઠાના 2 અધિકારીને પ્રમોશન અપાયા છે.
વધુ વિગત આપતાં એમણે જણાવ્યું કે, ઓડુમાં રોજનું 3.50 લાખ લીટર નર્મદાનું પાણી આપવાનો પરિપત્ર હોવા છતાં 25,000 લીટર પાણી પણ પહોંચતું નથી. આથી તંત્ર દ્વારા આ બાબતે તાકીદે યોગ્ય કાર્યવાહી કરી ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યાનો હલ કરવામાં નહી આવે તો ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. છતાં જો ઉકેલ નહીં આવે તો હું પોતે સરકારી કચેરીમાં જ પીવાના પાણીના પ્રશ્ર્ને આત્મવિલોપન કરતા પણ નહીં ખચકાઉ.