પ્રમુખ તરીકે રંજનબેન ભૂસડીયા અને ઉપપ્રમુખ તરીકે પાયલ પટેલની સર્વાનુમતે વરણી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.25
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે 31 અને કોંગ્રેસનો એક બેઠક પર વિજય થયો હતો. જિલ્લા પંચાયતમાં આજે ભાજપે પ્રમુખ તરીકે રંજન બહેન ઘનશ્યામભાઈ ભૂસડીયા અને ઉપપ્રમુખ તરીકે પાયલ બહેન દર્શનભાઈ પટેલ અને કારોબારી ચેરમેન તરીકે અજયસિંહ શિવરાજસિંહ રાણા, પક્ષના નેતા અને દંડકને મેન્ડેટ આપ્યો છે. જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખે ઉમેદવારી કરી છે અને આવતીકાલ સોમવારે સામાન્ય સભામાં પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત હોદ્દેદારોની વિધીવત વરણી કરવામાં આવશે. આ ઉપરાંત પ્રમુખ કોળી સમાજમાંથી એને ઉપપ્રમુખ પાટીદાર સમાજમાંથી બનાવવામાં આવ્યા છે. ભાજપ દ્વારા કોળી, પાટીદાર, ક્ષત્રિય અને ભરવાડ સમાજના હોદ્દેદારોને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત જુદી જુદી વિધાનસભા મતક્ષેત્રને હોદ્દા ફાળવીને સાચવી લેવાયા છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કુલ 32 બેઠકોમાંથી 31 બેઠકો પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે. ગત વર્ષ 2021માં યોજાયેલી સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ચુંટણીમાં કુલ 32 બેઠકોમાંથી 28 બેઠકો પર ભાજપની જીત થઈ હતી અને 04 બેઠકો કોંગ્રેસના ફાળે આવી હતી. હાલની ચૂંટણીમાં ભાજપને ગત ચૂંટણી કરતા 3 બેઠકો વધુ મળી છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં ભાજપ દ્વારા મેન્ડેટ આપી પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના નામ જિલ્લા ભાજપ નમો કમલમ કાર્યાલય ખાતે જાહેર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ જિલ્લા પંચાયત કચેરી ખાતે ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી ફોર્મ રજુ કરતા ભાજપ દ્વારા રોટેશન મુજબ ઓબીસી મહિલા અનામત ખોડુ બેઠક પર વિજેતા થયેલા મહિલા ઉમેદવાર રંજનબેન ઘનશ્યાયભાઈ ભૂયિને પ્રમુખનું મેન્ડેટ આપ્યું ભાજપ દ્વારા ઉપપ્રમુખ તરીકે ધ્રાંગધ્રા તાલુકાની રાજસીતાપુર જિલ્લા પંચાયત બેઠક પરથી ચૂંટણી જીતેલા પાયલબેન દર્શનભાઈ પટેલ, કારોબારી ચેરમેન તરીકે લખતર તાલુકાના વીઠલગઢ જીલ્લા પંચાયત બેઠકના વિજેતા ઉમેદવાર અજયસિંહ શિવરાજસિંહ રાણા, પક્ષના નેતા તરીકે ચોટીલા તાલુકાના મોટી મોલડી જિલ્લા પંચાયત બેઠકના વિજેતા ઉમેદવાર લીલાબેન રામભાઈ સામંડ અને દંડક તરીકે લીંબડી તાલુકાના પાણશીણા જીલ્લા પંચાયત બેઠકના વિજેતા ઉમેદવાર રાયમલભાઈ ભાથીભાઈ ચૌહાણને મેન્ડેટ આપ્યું છે. રવિવારે જિલ્લા પંચાયત કચેરી ખાતે ચૂંટણી અધિકારી સમક્ષ પોતાના ઉમેદવારી પત્રો રજુ કર્યા હતા. જ્યારે આવતીકાલ સોમવારના રોજ વિધિવત રીતે જિલ્લા પંચાયત કચેરી ખાતે બેઠક યોજાયા બાદ સતાવાર રીતે પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના તમામ હોદાઓની જાહેરાત કર્યા બાદ ચાર્જ સંભાળશે.



