ખારા વિસ્તારમાંથી ઓપન કટીંગ અને સીમ શાળા પાછળથી ગેરકાયદે કોલસાનો સ્ટોક જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.16
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ ચોરીમાં આડો આંક વળેલા ખનિજ માફિયાઓને હવે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ભો ભેગા કરી દીધા હોય તેવો ઘાટ સર્જાયો છે. છેલ્લા ત્રણ દાયકાથી એક તરફી કોલસાની ખનિજ ચોરી કરતા ખનિજ માફિયાઓને ચોટીલા પ્રાંત અધિકારી જેવા બાહોશ અધિકારીનો પનારો પડતા હવે ખનિજ માફિયાઓને ખનિજ ચોરીની સૂઝ બુજ ગુમાવી ચૂક્યા છે. ત્યારે ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા એક બાદ એક કોલસાના ખાણો પર મેગા દરોડા કરી જાણે ઇતિહાસ રચ્યો હોય તેવું દૃશ્ર્ય જોવા મળી રહ્યું છે. તેવામાં થાનગઢ પંથકમાં કોલસાની ખનિજ ચોરીનો હબ ગણાતા સોનગઢ ગામના ખારા વિસ્તારમાં દરોડો કર્યો હતો
- Advertisement -
આજે વહેલી સવારે આશરે દશેક વાગ્યાના સુમારે ચોટીલા પ્રાંત અધિકારી અને તેઓની ટીમ દ્વારા સોનગઢના ખારા વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર ઓપન કટીંગ કોલસાની ખાણ પર ત્રાટકી હતી જેમાં ત્રણ જે.સી.બી, એક લોડર, એક કોલસો ભરેલું ડમ્ફર અને મોટા પ્રમાણમાં કોલસાનો જથ્થો જપ્ત કરાયો હતો આ સાથે માત્ર ગણતરીની મિનિટોમાં જ સોનગઢના સીમ શાળા પાછળ સરકારી જમીન પર ગેરકાયદેસર કોલસાનો સ્ટોક પર જઈ આશરે બે હજારથી વધુ ટન કોલસાનો જથ્થો પણ ઝડપી લીધો હતો. અત્યાર સુધીમાં સોનગઢના ખારા વિસ્તારની આ લગભગ સૌ પ્રથમ રેઇડ હશે જેમાં કરોડો રૂૂપિયાનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે સોનગઢ ગામના ખારા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદેસર ઓપન કટીંગ ખાણો ધમધમી રહી છે અને આખાય થાનગઢ પંથકમાં ચાલતા કોલસાના ગેરકાયદેસર ખનન અને વેપલાનું મુખ્ય હબ ગણવામાં આવે છે ત્યારે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા કોલસાના મુખ્ય દ્વાર પર દરોડો કરતા હવે ખનિજ માફિયાઓના મનમાં કાયદાનો ડર રીતસરનો નજરે પડે છે.
ખારા વિસ્તારમાં ચાલતી ઓપન કટીંગ ખાણ સાથે મોરબી કનેક્શન ?
થાનગઢ પંથકના સોનગઢ ગામે ખારા વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર કોલસાની ઓપન કટીંગ ખાણનો કોલસો મોરબી જિલ્લા સુધી પહોંચે છે અને અહીંથી ભેળસેળિયું કૌભાડ આચરી આ કોલસાને રાજ્ય બહાર સિમેન્ટ કંપનીમાં મોકલવામાં આવે છે.
- Advertisement -
ખારા વિસ્તારની ઓપન કટીંગ ખાણમાં ભાજપ કનેક્શન હોવાની ચર્ચા
સોનગઢ ગામના ખારા વિસ્તારમાં ચારથી પાંચ જેટલી ઓપન કટીંગ કોલસાની ગેરકાયદેસર ખાણો ચાલી રહી છે. જેમાં દરેક ખન્ના સંચાલક ગણી કે ખનિજ માફિયા આ તમામના ભાજપ સાથે ક્યાંકને ક્યાંક કનેક્શન જોડાયા હોવાની ચર્ચા છે સાથે જ સિરામિક ઉધોગના વેપારીનું પણ નામ સામે આવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.
“ખાસ-ખબર” દ્વારા ખારા વિસ્તારમાં ચાલતા ખનનનો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો
“ખાસ-ખબર” દ્વારા અગાઉ સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર કોલસાના ખનન અંગે અનેક અહેવાલો પ્રસિધ્ધ કર્યા હતા જેમાં એક બાદ એક દરેક વિસ્તારોમાં ચાલતી કોલસાની ખાણો તંત્ર સામે ઉજાગર કરી હતી જે દરમિયાન સોનગઢના ખારા વિસ્તારનું મોરબી કનેક્શન અંગેનો સ્ફોટક માહિતી જાહેર કરી અહેવાલ પ્રસિધ્ધ કરાયો હતો.