ખાસ-ખબર સંવાદદાતા
એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે, જેને જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો અને હસવુ પણ આવશે. એક મહિલા સબ ઈન્સ્પેક્ટર કંઈક લખી રહી છે અને એક બાળક તેની પાસે ઊભુ છે. હકીકતમાં આ બાળક પોલીસની પાસે ફરિયાદ લખાવી રહ્યો છે કે તેની મમ્મી તેને કેવી રીતે ‘હેરાન’ કરે છે. બાળકની જીદ જોઈ આ એસઆઈ તેની વાત માનતા પોતાને રોકી શક્યા નહીં. હવે ચોકીમાં આ ત્રણ વર્ષના બાળકની આ ફરિયાદ સમગ્ર વિસ્તારમાં જ નહીં પરંતુ 70 કિલોમીટર દૂર જિલ્લા મથક સુધી પણ ચર્ચાનો વિષય બની છે. મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લાથી લગભગ 70 કિલોમીટર દૂર આવેલા ડેડતલાઈ ગામમાં એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. વાસ્તવમાં એક માતા તેના 3 વર્ષના પુત્રને નવડાવી રહી હતી. બાળક નહાતી વખતે મસ્તી કરી રહ્યો હતો. જ્યારે અહીં-તહીં પાણી વહેતું હતું ત્યારે માતાએ તેને થપ્પડ મારી હતી. બાળક રડવા લાગ્યો અને ગુસ્સે થઈ ગયો અને તેણે માતા વિશે પિતાને ફરિયાદ કરી. આટલું જ નહીં ત્રણ વર્ષનો બાળક તેના પિતાને પોલીસ ચોકી સુધી લઈ ગયો. બાળકની ફરિયાદ પર પહેલા તો પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ એસઆઈ પ્રિયંકા નાયક હસી પડ્યા અને તેને સમજાવ્યો, પરંતુ બાળક એટલો તોફાની હતો કે પ્રિયંકાએ ફરિયાદ લખવી પડી.