પર્યાવરણને અનુકૂળ વેગન લેધરમાંથી બેગ, પર્સ અને શૂઝ તૈયાર, બ્રિટન-જર્મનીની વૈશ્વિક બ્રાન્ડ્સ સુધી પહોંચી કેરળની કંપની ‘મલાઈ
કેરળની એક ઇનોવેટિવ કંપની નાળિયેરના પાણીનો ઉપયોગ કરીને કુદરતી રીતે વિઘટન પામતું બાયોડિગ્રેડેબલ અને કમ્પોસ્ટેબલ ચામડું બનાવી રહી છે. આ અનોખા મટિરિયલને તૈયાર કરતી કંપનીનું નામ ‘મલાઈ છે, જે
તાજા નાળિયેરની અંદરની મુલાયમ મલાઈ પરથી રાખવામાં આવ્યું છે. આ બ્રાન્ડની શરૂઆત વર્ષ ૨૦૧૮માં સ્લોવાકિયાની મટિરિયલ રિસર્ચર અને ફેશન ડિઝાઈનર ઝુઝાના ગોમ્બોસોવા અને કેરળના પ્રોડક્ટ ડિઝાઈનર સીએસ
સુસ્મિત દ્વારા કરવામાં આવી હતી. પાછળથી સુસ્મિત અલગ થતાં ઝુઝાનાએ કેરળના અકીલ સૈત સાથે ભાગીદારી કરી અને પ્રોજેક્ટને આગળ ધપાવવા માટે કોચી સ્થાયી થયા. પર્યાવરણને નુકસાન પહોંચાડયા વગર ફેશન
ઇન્ડસ્ટ્રી માટે ઇકો- ફ્રેન્ડલી વિકલ્પ તૈયાર કરવાનો તેમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો.
આ પ્લાન્ટ-બેઝ્ડ વેગન લેધર બનાવવા માટે કોઈપણ પ્રાણીને નુકસાન પહોંચાડવામાં આવતું નથી. તેના ઉત્પાદન માટે કેરળના ખેડૂતો અને પ્રોસેસિંગ યુનિટ્સ પાસેથી નકામું વહી જતું પાકા નાળિયેરનું પાણી એકત્ર કરવામાં
આવે છે. આ પાણીને આથો આપીને બેક્ટેરિયલ સેલ્યુલોઝ તૈયાર કરવામાં આવે છે, જે ફિલિપાઇન્સમાં ફૂડ ઇન્ડસ્ટ્રીમાં ‘નાટા ડી કોકો’ તરીકે પણ ઓળખાય છે. ત્યારબાદ આ સેલ્યુલોઝમાં શણ, સિસલ અને કેળના થડના કુદરતી
રેસા ઉમેરીને તેને ગ્રે રંગની મજબૂત શીટ્સમાં ફેરવવામાં આવે છે અને જરૂરિયાત મુજબ તેના પર કલર તેમજ ફિનિશિંગની પ્રક્રિયા થાય છે.
આ વોટર-રેઝિસ્ટન્ટ અને ટેક્ષ્ચર્ડ મટિરિયલમાંથી બેગ, પાઉચ, વોલેટ અને પગરખાં (શૂઝ) તૈયાર કરવામાં આવે છે. કંપની પોતાની વેબસાઇટ પર આ ઉત્પાદનો ₹૧,૮૦૦ થી ₹૯,૫૦૦ ની કિંમતમાં ઉપલબ્ધ કરાવે છે. આ
ઉપરાંત કંપની કાચો માલ પણ સપ્લાય કરે છે, જેમાં ભારતની ‘રીતિ’, બ્રિટનની ‘એથિકલ લિવિંગ’ અને જર્મનીની ‘લકી નેલી’ જેવી જાણીતી બ્રાન્ડ્સ આ મટિરિયલમાંથી પ્રોડક્ટ્સ બનાવે છે. આ મટિરિયલ દેખાવ અને સ્પર્શમાં
અસલ ચામડા જેવું જ લાગે છે અને કંપની હવે ફર્નિચર તેમજ ઇન્ટિરિયર ડેકોરેશનમાં પણ તેનો ઉપયોગ વધારવા તરફ આગળ વધી રહી છે. માત્ર ૧૦ સભ્યોની નાની ટીમ સાથે કામ કરતી આ બ્રાન્ડે લેકમે ફેશન વીક
દરમિયાન સસ્ટેનેબલ ફેશન માટેનો સર્ક્યુલર ડિઝાઇન ચેલેન્જ એવોર્ડ પણ પોતાના નામે કર્યો છે.




